પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨


જરાશંકર શાંત થઈ વિચાર કરવા લાગ્યો. સઉ વિચારી રાણી અને સામંત ઉભયને સત્વર તેડાવ્યા. એક પળ જતી હતી તે વર્ષ જેવી થઈ. દ્વાર આગળ ભીંતને તરવારથી અઠીંગી, પીંઢો ભણી તાકી રહી, પા ઘડી પુતળા પેઠે આ દશામાં સ્થિર રહી, નિદ્રામાંથી જાગ્યો હોય, સમાધિમાંથી ઉઠ્યો હોય તેમ રાજા, શાંત મુખમુદ્રા ધરી હાલ્યો, અને ચારેપાસની નવી સ્થિતિથી આશ્ચર્યમાં પડી, પુછવા લાગ્યો, “સર્વે કેમ એકઠાં થયાં છે ? સઉ પોતપોતાને કામે વળગો. ખબર નથી કે રાજાપ્રધાનને મંત્ર થતો હોય ત્યાં કોઈએ ન આવવું ?”

સર્વ આશ્ચર્યમાં પડી પાછાં ગયાં. રાણી પણ અર્ધે માર્ગે આવેલી સમાચાર સાંભળી પાછી ગઈ માત્ર સામંત આવ્યો, અને પ્રધાન પાસે હતો જ.

“મહારાજને શૂરવીરોની ઉન્માદદશા પ્રાપ્ત થઈ હતી, અને તેથી થયલા ગભરાટમાં સર્વે એકઠાં થઈ ગયાં હતાં.” જરાશંકર બોલ્યો.

મલ્લરાજ – “ત્યારે પ્રાકૃતમાં એમ કહેને કે હું ગાંડો થયો હતો !”

જરાશંકર – “મહારાજના અનુભવનું વર્ણન મહારાજ કરે.”

મલ્લરાજ – “સામંત, પ્રધાનને અપ્રિય બોલ્યા વિના સત્યને વળગી રહેતાં આવડે છે.”

સામંત – “અને આપની પાસે એટલી સ્વતંત્રતાથી બોલવાની એ છાતી ચલવે તે આપની મ્હોટાઈ.”

જરાશંકર – “સત્ય કહો છો, સામંત મહારાજ આપની ઉન્માદ –દશામાં આપે સામંતને સંભારેલા તેથી એમને તેડાવ્યા છે.”

મલ્લરાજ – “શું કરવા સંભારેલો?”

જરાશંકર – “સરકારના એજંટની નીમણુંકને રદ કરવા.”

મલ્લરાજ – “એ નીમણુંક સંબંધી સર્વ હકીકત સામંતને કહી દે.”

જરાશંકરે આજ્ઞા પાળી, અને મલ્લરાજને થયેલા ઉન્માદનો ઇતિહાસ પણ કહી દીધો.

સામંત સર્વ વાત સાંભળી રહ્યો. ઉત્તર દીધો નહી.

મલ્લરાજ – “કેમ, સામંત, કંઈ ઉત્તર દેતો નથી?”

સામંત – “મહારાજ, ઉત્તર દેવાનો આપના ભાયાતોને અધિકાર નથી. તાત્યાટોપીનાં માણસ આવ્યાં હતાં તે કાળે ઈંગ્રેજોને ધર્મી અને મરાઠાઓને અધર્મી ગણી ઇંગ્રેજોનો સંબંધ આપે સ્વીકાર્યો તે કાળથી જ આપની આજ્ઞા થયલી છે કે રાજાપ્રધાનના મંત્રથી