પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩


મલ્લરાજ આનંદમાં આવી એકદમ ઉભો થયો, જરાશંકર ઉભો થયો, રાજા પ્રધાનનો વાંસો થાબડી ઉમંગથી બોલ્યોઃ “બસ, જરાશંકર, બસ – મલ્લરાજનો સંશય ટળી ગયો, રત્નનગરીનાં રત્ન નિર્ભય છે. જા, વિદ્યાચતુરપાસે ઉત્તર લખાવ કે એ સુગ્રીવજીનો વંશ તે સીતાજીનો માનીતો, ને સીતાજીનાં જ બાળક એ વંશને છેટે કેમ રાખી શકશે ? માટે તેમને જે ઝાડે બેસવું હોય ત્યાં આવી બેસે ને મરજી પડે એટલું કુદે. એ વાનરો બહુ કરશે તો મુઠી ચણા બગાડશે – બાકી રત્નનગરીનાં રત્ન એમનાથી ચવાય કે ભંગાય એમ નથી – એ રત્ન ખાવા જશે તો એમના દાંત પડશે. જરાશંકર, મથુરાનગરીના વાનરોને ચણાનો પ્રસાદ – આપણે એમને પહોંચી વળીશું અને ઘરનાં થોડાં નળીયાં ભાંગશે તો ગામમાં માટીની ખોટ નથી.”

જરાશંકર ઘેર ગયો. રાજા અંતઃપુરમાં ગયો. જતાં જતાં તેને સામંત સાંભર્યો અને તેની સાથે હૃદયમાં ઉંડો નિશ્વાસ પડ્યો. ન્હાનપણનો સાથી, યુદ્ધકાળનો સખા અને મણિરાજ પછીનો ગાદીનો વારસ – એ સામંતનો વિયોગ મલ્લરાજને અસહ્ય લાગ્યો અને માર્ગમાં ને માર્ગમાં જ તેનાં નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. પોતે જાણી જોઈને જાતે જ આ દુઃખનું કારણ થયો છે, પોતાના મિત્રને પોતે જ ઘા કર્યો છે – એ વિચારતાં મલ્લરાજનું હૃદય છેક કોમળ થઈ ગયું અને તે પોતાની નિન્દાનાં વાક્ય બરબડવા લાગ્યો.

“ધિક્‌કાર છે આ રાજ્યાસનને કે જેને લીધે મિત્રના ઉપર ઘા કરવાનો પ્રસંગ આવ્યો. અરેરે, મિત્રનો ત્યાગ કરવાને ઠેકાણે રાજ્યાસનનો જ ત્યાગ કર્યો હત તો શું ખોટું હતું?”

“સામંત – સામંત – મ્હારા બાળપણના સ્નેહી ! ત્હેં મ્હારું હિત વિચારી ક્રોધ આણ્યો તેનો બદલો મ્હેં આમ વાળ્યો – જે મનુષ્યની પ્રીતિ ઉપર વિશ્વાસ રખાતો નથી તે દુષ્ટ છે – રાજાઓની પ્રીતિનો વિશ્વાસ જગત કરતું નથી તે બરોબર છે. રાજાઓની જાતિ જ દુષ્ટ છે. રાજ્યને અંતે નરક લખ્યાં છે તેમાંનું એક તો હું આ અનુભવું છું. અહો પરમાત્મા ! ત્હારી ગતિ ન્યારી છે.”

આમ વિચાર કરતો રાજા અંતઃપુરમાં ગયો. રાણીએ તેનું ગ્લાન મુખ દીઠું અને તેના સ્વભાવની પરીક્ષક સ્ત્રી તે ગ્લાનિનું કારણ પણ ચેતી ગઈ, સામંતના સમાચાર અંતઃપુરમાં ફરી વળ્યા હતા અને રાજાએ કરેલી શિક્ષા સર્વને મુખે નિર્દય ક્‌હેવાઈ – રાજાનો ન્યાય પંચે કર્યો