પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦

થઈ સ્વાર્થ અને પરમાર્થ ઉભય ભળ્યાં. સારા અને નરસા ઈંગ્રેજોની બુદ્ધિ આ કાર્ય સાધવામાં એકમત થઈ. માત્ર સાધનનો પ્રશ્ન રહ્યો. પાંડવો જેવા મૂઢ રાજાઓનાં દેખતાં દુર્યોધન*[૧] સરકારની ઈચ્છાથી દુ:શાસન[૨] એજંટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે, અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા; પાંચ પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્વ, રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઉતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજ્યદ્યૂતના ચોપટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઈ ર્‌હેવા લાગ્યા; ભીષ્મપિતામહ, દ્રોણ, અને વિદુર જેવા નીચું જોઈ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકૂળ થતો, પોતાની ઝંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિ:સત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ ઝંઘા ઉપર બેસવા, ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને, નેત્રવડે આજ્ઞા કરતો કરતો.

[૩]“દુર્યોધન ક્‌હે દુ:શાસનને - કર કર ઉઘાડું એ ગાત્ર !”

પણ પ્રજાપીડક રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે,

“ ધાયે પ્રભુ અનાથનકો નાથ !”

જરાશંકર અને વિદ્યાચતુર સાથે આ નવા યુગની દશા અવલોકતાં અને ચર્ચતાં મલ્લરાજ બોલી ઊઠ્યો: “અહા ! એ જ દેશ ! એ જ ઉપદેશ ! પણ કાળ જુદો છે. પાંડવો જેવા પાંચાલીને પાત્ર હતા તેમ આ આપણા રાજાઓ કંઈ રાજલક્ષ્મીને પાત્ર નથી. જરાશંકર ! ક્ષીણ પુણ્ય થતાં પૃથ્વીપર પડતા એક ઈન્દ્રને ત્યજી સ્વર્ગના રાજ્યને પાત્ર થતા નવા સુપાત્ર ઈન્દ્રને માત્ર પુણ્યની જ સહધર્મચારિણી ઈન્દ્રાણી વરે છે તેવી જ રાજાઓની રાજલક્ષ્મી છે ! રાજલક્ષ્મી રાજત્વને વરે છે અને ગુણને આધારે વેલી પેઠે ચ્હડે છે. પ્રજાપીડક રાજા તે રાજા નથી. રાજત્વવિહીન રાજાઓને અંગે ઉઠી ર્‌હેલો દુર્ગન્ધ નાસિકા આગળ આવતાં જ સુઘડ પદ્મિની રાજલક્ષ્મી ત્રાસે છે અને ન્હાસે છે. ઈંગ્રેજ તેને યોગ્ય છે તો રાજલક્ષ્મી તેને વરે છે. જે સ્વામી રાજલક્ષ્મીને અયોગ્ય થાય છે તેની પાસે એ ઈન્દ્રાણી ર્‌હેતી પણ નથી. નક્કી, આમાં કાંઈ અયોગ્ય હોય એવું લાગવાનું કાંઈ કારણ દેખાતું નથી – સૂક્ષ્મ દૃષ્ટિએથી જોઈએ તો.”


  1. *જેની સાથે યુદ્ધ કરવું દુસ્તર રહે તેવા
  2. † જેનાં શાસન દુર્વાર છે તેવા.
  3. લૌકિક પદમાંથી.