પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨


ઇત્યાદિ ઇત્યાદિ પથ્યનું સેવન કરવું તેને શક્તિ ક્‌હો કે અશક્તિ ક્‌હો પણ એ પથ્યનું સેવન રાજઅંગને આવશ્યક છે, અને આપને એવા પથ્યનું સેવન કરતાં હરકત ન થાય એટલી ચિંતા રાખી મ્હેં આપની પાસે બધી વાત બેધડક કહી દીધી છે,”

છાતી પર હાથનો સ્વસ્તિક વાળી સર્વ ભાષણ સાંભળી રહ્યો હતો તે સ્વસ્તિક છોડી, હસી પડી, મલ્લરાજ બોલ્યો.

“જરાશંકર, ત્હારું ભાષણ લાંબું તો થયું પણ હવે એ પથ્યસેવન ત્હેં દેખાડ્યું તો થશે તેટલું કરીશું, પણ એજંટના પ્રશ્નનું શું કરવું તે ક્‌હે.”

જરાશંકર – “મહારાજ, એ તો આપને અમસ્તો ક્ષોભ થયો. એજંટના વચનમાં કોઈ જાતની આજ્ઞા નથી. એ તો વાનરો રાજ્ય અંગમાં છિદ્રો શોધવા આમ દૃષ્ટિ કરશે એવું આપણે જાણતા હતા. હવે એ છિદ્ર જોવા આવનારની આંખોને સંતોષ આપીશું તો આપણી સન્નીતિના કવચમાં એ વાનરના નખ ખુંપવાના નથી એવી આપણે સંભાળ લીધેલી છે, અને એવું એવું એ જોવા આવે તો એ ભલે અાંખો ફાડી ફાડી જુવે ને આપણે જોવા દેવું – એવો આપણે નિશ્ચય છતાં શો વિચાર બાકી છે તે મને સુઝતું નથી.”

મલ્લરાજ – “પણ એજંટ પંચ મટી ફોજદાર થાય છે તે?”

જરાશંકર – “પણ ફોજદાર આપણી ઝડતી લે તેમાં આપણે શું કરવા ડરવું? જુવે ને જોવું હોય તેટલું. જેણે ચોરી કરી હશે તેને ભય; આપણે શું? જે રાજ્યમાં છિદ્ર નથી તેમાં મર એવા વાનરા ડાળે ડાળે કુદે.”

મલ્લરાજ – “પણ એ પોતાનો અધિકાર શાને ગણે?”

જરાશંકર – “જુવો મહારાજ, આપણે તો માત્ર આપણા જ રાજ્યની વ્યવસ્થા રાખવાની છે; પણ ઈંગ્રેજને તો આ હીંદુસ્થાનના સેંકડો રાજાઓનાં રાજ્યની વ્યવસ્થા રાખવાની છે, કારણ ચક્રવર્તીનો ધર્મ એ કે સર્વ રાજ્યચક્રને ફેરવનાર મ્હોટું ચક્ર થવું અને ખુણે ખોચલે ભરાઈ રહેલા ઝીણી ઝીણી આંખોવાળા અને વ્હેંતીયા હાથપગવાળા પરરપરથી છુટા પડેલા ન્હાના ન્હાના રાજાઓ જે વાત જોઈ શકે નહી અને જે પ્રયોગ આરંભી પણ ન શકે એવી વાતો જોવી અને