પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧

જરાશંકર–“આપનો અનુભવ આપ જાણો – આપની શક્તિનો આપને અનુભવ. બળવાન સરકારના માણસે માત્ર પ્રશ્ન પુછ્યો તે સાંભળતાં જેને અંગે અગ્નિ ઉડ્યો તેવા તેજસ્વીના મુખમાંથી વચન તો શું પણ શ્વાસ સરખો નીકળે તેના પ્રવાહની સામે ઉભાં ર્‌હેવા એક પ્રધાનનું ગજું કેવી રીતે હોય? મહારાજ, હું આ મ્હારું ગજું– મ્હારી શક્તિ –જાણું, આપની શક્તિ આપને ખબર.”

મલ્લરાજ – “ઠીક, એમ બોલ. પણ રાજાઓમાં આ શક્તિ ન હોય તે સારું કે ખોટું ?”

જરાશંકર – “સારું કે ખોટું એ પ્રશ્નના ઉત્તર દેશકાળ પ્રમાણે જુદા જુદા દેવાશે. પણ શાન્તિપર્વમાં પિતામહે યુધિષ્ઠિરને એવો ઉપદેશ આપેલો છે. આવી શક્તિવાળા રાજાઓને માથે એમના સેવકો ટપલા મારે એવો કાળ આવવાનો ભય છે.”

મલ્લરાજ – “પણ મ્હારો ત્હારો દેશકાળ કેવો છે ?”

જરાશંકર હસી પડી બોલ્યો: “આપે મ્હારા, મુખમાંથી વાત ક્‌હડાવવી જ ધારી તો આપની ઈચ્છા આગળ મ્હારી ઇચ્છાનું બળ નથી – એ આપણો હાલનો દેશકાલ મહારાજને પ્રત્યક્ષ જ છે. બાકી આપ શાંત હો કે ઉગ્ર હો, હું આપને અર્થે પ્રવર્તતો હઉં કે મ્હારા સ્વાર્થમાં જાણ્યો અજાણ્યો તણાતો હઉં, ઇત્યાદિ આપના અને મ્હારા દેશકાળ પ્રસંગે પ્રસંગે અનેક થાય અને પ્રસંગે પ્રસંગે આપે સેવકો સાથે વર્તતાં એ અનેક દેશકાલ વિચારવા પડે એ કાળ રાજાઓની બુદ્ધિને વિના કારણ શ્રમદાયી છે અને ક્વચિત્ ભયંકર પણ છે તેના કરતાં તો પિતામહનો ઉપદેશ સ્થિર ભક્તિથી પાળવો એ એક માર્ગે રાજા અને સેવક ઉભયને કુશલદાયી છે .”

મલ્લરાજ–“ ત્યારે રાજાએ શું કરવું?”

જરાશંકર – “સત્ય, પ્રિય, અને હિત – એ ત્રણે ગુણ જેમાં સાથે લાગાં હોય એવાં વચન બોલવાનો સેવકોને અભ્યાસ પાડવો, અસત્ય વચનની અસહિષ્ણુતા રાખવી, હિત વચનના લોહચુમ્બક થવું, પ્રિયવચનની અપેક્ષા રાખવી નહીં, અપ્રિય વચનને ઉત્તેજન આપવું નહીં, અપમાન સ્‌હેવું નહી, આજ્ઞા ભંગ સ્પષ્ટ થતાં સ્પષ્ટ અને સત્ય શિક્ષા કરવી. અને જેને જે ધર્મ ઉચિત હોય તે ઉપરાંત એક પણ અક્ષરનો ઉદ્ધાર રાજાની પાસે નીકળી શકે નહીં એટલું ઉગ્ર રાજતેજ સેવકની દૃષ્ટિથી પરોક્ષ થાય એવું કદી પણ થવા દેવું નહી: