પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫


આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની અાંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો.

પોતે કોઈ મહાસાગરમાં એકલો એક ન્હાની હોડીમાં બેઠો છે, સાગર તોફાન કરી રહ્યો છે, હોડી ચાર ચાર હાથ ઉછળે છે, પવન ફુંકતો ચીસો પાડે છે, ચંદ્રમા મધ્યાકાશમાં ઝુલી રહ્યો છે, વાદળાંની લ્હેરો ચંદ્રને ચારે પાસેથી ઘેરે છે – ચંદ્રના તેજથી વધારે ઉજળી થાય છે, ને વેરાઈ જાય છે, અને ઉછળતી હોડી બે પાસ વાંકી વળી જાય છે અને પાણી અંદર આવવાનું થાય છે પણ આવતું નથી, ને પોતે એ હોડીમાં માત્ર ચંદ્રને જોતો જોતો ચતો પડી રહ્યો છે એવું એને સ્વપ્ન થયું.

થોડીવારમાં મલ્લરાજનો દેહ ચંદ્રમાંથી ઉતરી મણિરાજના સામો એની હોડીમાં આવ્યો અને બેઠો. મણિરાજના આકારને એણે પાસે લીધો, બગલમાં લીધો, અને માથે હાથ ફેરવી, બોલવા લાગ્યો.

“કુમાર, સામંત છેલે સુધી મ્હારી પાસે હતો તેથી હું તમને બધો ઉપદેશ કરી શક્યો નથી. તે કરવાને આજ એકાંત શોધી આવ્યો છું.”

“મરતી વખત એની અપ્રીતિ લેવી ઠીક લાગી નહી તેથી એટલું મૌન ધાર્યું. મ્હારી રાજનીતિનું રહસ્ય તે તમને જ ક્‌હેવાનું છે તે સાંભળી લ્યો.”

“સામંત અને મૂળરાજના ઉપરે સર્વ રીતે પ્રીતિ કરજો, પણ ઈંગ્રેજના સંબંધનું રહસ્ય તેમને ખબર નથી તે પરલોકમાં ઉભો ઉભો હું તમને કહું છું.”

“સીતાજી લંકામાંથી આવ્યાં, અગ્નિદેવે સ્વહસ્તે રામજીને સોંપ્યાં, અને પછી અયોધ્યા જવા સ્વામીની સાથે વિમાનમાં ચ્હડયાં ત્યારે સુગ્રીવ, અંગદ, અને હનુમાનજી ત્રણે જણ હાથ જોડી ઉભા અને પુછવા લાગ્યા કે આ સમુદ્રપર અમે બાંધેલી પાળનું શું કરીયે ?”

“સીતાજી કહે, પુત્રો! એ પાળની હવે જરૂર નથી અને વિભીષણના રાજ્ય પર કોઈ એ પાળથી ચ્હડી આવે નહી માટે એને તોડી નાંખો. માત્ર એનો એક કડકો રહેવા દેજો કે ધર્મકાર્યે તમે બાંધેલા આ ધર્મસેતુનું નામ નીશાન સમુળગું નાશ પામે નહી. એ કડકો યાવચ્ચંદ્રદિવાકર ‌ર્‌હેશે અને સર્વ ધર્મમાં પવિત્ર ગણાશે.”