પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭


“મણિરાજ ! મ્‍હેં એ પરદેશી પ્રજાતિના લોક સાથે શું જાણી સંબંધ બાંધ્યો? મ્‍હેં સ્વદેશી સ્વજાતિના લોકોનો તિરસ્કાર કરી આ પરાયાઓનો કેમ વિશ્વાસ કર્યો? આ પ્રશ્નો તમે મને પુછશો અને સામંત તમને પુછી પુછી અવળા ઉત્તર દેશે પણ તે માનશો માં.”

“મણિરાજ ! ભાઈઓ મ્‍હોટા કે મ્‍હોટો તે ધર્મ ? માતા જેવી સ્વભૂમિ મ્‍હોટી કે મ્‍હોટો તે ધર્મ? ભાઈની વાત વિભીષણને પુછો ! માતાની વાત ભરતજીને પુછો ! કોઈપણ મહાત્માને પુછો ! શાસ્ત્રને પુછો ! શ્રુતિને પુછો !”

“મણિરાજ ! જ્યાં ધર્મ ત્યાં વિજય ! રામજીએ એમ જ માન્યું ! વિભીષણે એમ જ માન્યું ! પાંડવોએ એમ જ માન્યું ! શ્રીકૃષ્ણે પણ એમ જ માન્યું !”

“મણિરાજ ! મ્‍હેં કેમ જાણ્યું કે ઈંગ્રેજોને જય મળશે? મહાભારતમાં બે અક્ષૌહિણી સેનાઓ આકાશના વાદળાં પેઠે એકબીજા સાથે અથડાતી હતી તે કાળે ત્યાં ધર્મ પણ જણાયો ને વિજય પણ કેમ જણાયો?”

“મણિરાજ ! મણિરાજ ! એ વાદળાંઓ વચ્ચે – એ સેનાઓ વચ્ચે જ્યાં જ્યાં કપિધ્વજ ઉડતો હતો અને જ્યાં જ્યાં એ ધ્વજની કપિમૂર્તિની ચીસો ઉઠતી હતી ત્યાં ત્યાં ધર્મ અને વિજય ઉભયને મ્‍હેં સાથે સાથે ઉડતા દીઠાં ! સામંતે ન દીઠા ! મ્‍હેં દીઠા ! શું તમે એમ પુછો છો કે ઈંગ્રેજે અધર્મ કર્યો નથી ? મણિરાજ ! આ સંસારમાં મધ્ય કાળ જોવો જ નહી ! દુર્યોધનને ગદા કયાં વાગી તે જોવું જ નહીં ! આરંભે વસ્ત્રહરણ એ અધર્મ ! વનમાં ગયા તે ધર્મબંધનથી બંધાયલા જ એ ગયા તે ધર્મ ! અંતમાં જીત્યા તે ધર્મ !

"મણિરાજ ! એ વાનરોએ મને હેરાન નથી કર્યો ? એ રીંછોએ મને નથી અમુઝાવ્યો? સામંત મ્‍હારી વાતો કરી કરી તમને ભરમાવશે ! પણ તે માનશો માં !”

“હું હેરાન નથી થયો ! હું તો માત્ર એ સેનાની હુપાહુપ સાંભળી બાળક પેઠે ભડક્યો છું, ને લુટાયા છે તે તો અધર્મીંઓ! હું અમુઝાયો નથી ! હું તો માત્ર રીંછોનો ઉગ્રેવેશ જોઈ બાળક પેઠે બ્‍હીન્યો છું ! અમુઝાયા છે તે તો અધર્મીઓ ! જીત્યા છતાં ફુલાયા નથી તે ધર્મીંઓ ! જય પામી નમ્ર થયા તે ધર્મીઓ !”

“મણિરાજ ! લંકા આગળનો ધર્મસેતુ ત્રુઠ્યો છે, પણ આપણી ભૂમિમાં નવો ધર્મસેતુ બંધાય છે અને તેના પથરા પાણીમાં તરશે ને તેને વાનરાઓ સમુદ્રની પેલી પારથી આણશે !”