પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯

તમારા જેવી વૃત્તિ મ્હારા મનમાં ઉત્પન્ન થાય છે એવે કાળે સુભાજીરાવ જેવાઓને જેણે જેણે આશ્રય ન આપ્યો તેને આજ પોતાની ભુલ માલમ પડતાં કેવું લાગવું જોઈયે તેનો વિચાર કરું છું. અને તે ભુલ કરનાર મામાનો હું ભાણેજ છું અને તેમની ભુલનો પશ્ચાત્તાપ હું કેવે રૂપે કરું તેની કલ્પના કરું છું ત્યારે લાગે છે કે

यथा गजो नेति समक्षरूपे
तस्मिन्नतिक्रामति संशयः स्यात
पदानि दृष्ट्वा तु भवेत्प्रतीतिस्
तथाविधो मे मनसो विकारः ॥ [૧]

"દેશોદ્ધારના મહાન પ્રસંગરૂપ હાથી જાતે પાસે થઈને ચાલ્યો ગયો ત્યારે એ હાથી છે એવું અમે જાણ્યું નહી – તે જતાં જતાં હાથી જ હશે એની શંકા થઈ – અને આજ એનાં પગલાં જોઈ નક્કી થાય છે કે મૂર્ખાઈમાં પાસે આવેલા હાથીને જવા દીધો, અને હવે એ ગયેલો પ્રસંગ ગયો ! – તે પાછો દેખાડે એવી શક્તિ ચોખંડ પૃથ્વીમાં કોઈ આણે એમ નથી ! મૂળરાજ ! તને તેનું દુઃખ કેમ ન લાગે ? તું સિંહ છે.”

“પણ – પણ - મહારાજ મલ્લરાજ પણ સિંહ જ હતા અને પુરુષસિંહ હતા. તેમનો બુદ્ધિપ્રભાવ કેવળ સિંહની પેઠે વર્તમાન પૃથ્વી ઉપર ફરનાર ન હતો, પણ ગરુડ પેઠે ભૂતરસાતળના ઉંડામાં ઉંડા અને ભવિષ્યાકાશના ઉંચામાં ઉંચા ભાગમાં ચ્હડી, સાત્વિક વૃત્તિ, ઉદાર અને ઉદાત્ત બુદ્ધિથી, સદ્ગુણ અને સદ્ધર્મના શોધનથી, સર્વ આકાશ અને પૃથ્વી ઉભયને દૃષ્ટિગોચર કરી પોતાનો શીકાર શોધી ક્‌હાડતો. એ મહારાજે ઘડેલો ઈંગ્રેજ ચક્રવર્તીનો સંબંધ મહાન્ અકબરના સંબંધ જેવો† [૨] ઉદાર અને આવશ્યક મને લાગે છે તેમ મૂળરાજને ન લાગે તો નવાઈ નથી. મૂળરાજ મલ્લરાજનું મહાશય હૃદય કેમ સમજી શકે ?”


  1. * શાકુંતલ.
  2. † He ( Akbar ) had lived long enough to convince the diverse races of Hindustan that their safety, their practical independence, their enjoyment of the religion and the customs of their forefathers, depended upon their recognition of the paramount authority which could secure to them their inestimable blessings, To them he was a man above prejudices. -Malleson.