પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

શ્રીઅલખકા અનેક લખ સ્વરૂપમેં અનેક માનવ કે અનેક મન અનેક પ્રકારસે દર્શન એૌર ક્રીડા કર રહે હય.”

ઉલ્લાસમાં આવી આમ પર્યેષણા [૧] કરતો યોગી સરસ્વતીચંદ્રને કંઈક નવા જ લક્ષણવાળો લાગ્યો. આર્યોના અનેક દેવમંડળનો આવો આત્મા જોઈ પક્ષ-મંત્રીની[૨] પરીક્ષામાં સુપરીક્ષિત નીવડેલાંને આર્ય ધર્મનો આ પક્ષમંત્ર અતિપ્રિય લાગ્યો અને એનું દેશાભિમાન જાગ્યું. તેમ થતાં પોતે સામો પક્ષ લેઈ આ ઈંગ્રેજી ભાષાના અપરિચિત સાધુના પક્ષની સીમા જોઈ લેવા સરસ્વતીચંદ્ર લલચાયો: “શું રાધેદાસ, પ્રતિમા પૂજનમાં લખ કયાં આવી ગયો ?”

આ નાસ્તિક પ્રશ્નથી રાધેદાસને કાંઈક ક્રોધ ચ્હડતો ચ્હડતો ગુરુજીનો વર્તારો સાંભર્યો અને તેમ થતાં શાંત પડી, ગંભીર મુખે, બોલ્યોઃ “ભાઈ આ પ્રશ્ન અમારા મઠમાં કોઈને પુછશો તો તમને નાસ્તિક ગણી દુઃખ દેશે. માટે ફરી ન પુછશો. વેદવચન પર શ્રદ્ધા અને ગુરુજીની આજ્ઞા એ અમારી દૃષ્ટિમર્યાદા છે. તેનું ઉલ્લંઘન કરાવનાર પ્રશ્ન કે તર્ક અમને અસહ્ય છે.”

સરસ્વતીચંદ્રને આ પ્રદેશ અને મુંબાઈની સ્વતંત્રભૂમિના ભેદનું ભાન આવ્યું. ઉપકાર કરનારના ચિત્તને પોતે ક્લેશનું સાધન થયો જાણી પસ્તાયો, પર્યેષણાની સાથે ધર્મકલ્પનાના[૩] આવેશનો ગુણાકાર જોઈ કંઈક ગુંચવાયો, પણ સર્વથા ઈંગ્રેજી રીતે પણ પરધર્મની નિન્દા કરવી અસભ્ય છે તે સમરી બોલ્યો: “ક્ષમા કરો, રાધેદાસ, આ પ્રશ્નથી તમને અપમાન થશે એમ જાણ્યું ન હતું, માત્ર રહસ્યજિજ્ઞાસાથી શિષ્યભાવે જ પ્રશ્ન પુછ્યો હતો!”

“શું, ભાઈ, આ તે પ્રશ્ન ? એમાં રહસ્યજિજ્ઞાસા માની ?”

“જુઓ, મને લાગે છે કે આપના ગુરુજીનું વચનામૃત છે કે, પામરમાં પામર દીસે ગોપાલક ગોપાલ.”

“એમાં પ્રતિમાપૂજનનું કંઈક રહસ્ય હોવું જોઈએ.”

રાધેદાસ ગભરાયો. “ગુરુનું રહસ્ય આણે સાંભળ્યું ને સમજાયું ! નક્કી, એ મ્હારા કરતાં વધારે અધિકારી છે - તો - તો ” મ્હોટે સ્વરે નમ્ર થઈ બોલ્યોઃ “નવીનચંદ્રજી, ક્ષમા કરજો! આપની જિજ્ઞાસાને તો વિહારપુરી કે ગુરુજી તૃપ્ત કરશે – મ્હારો અધિકાર આપનાથી કનિષ્ટ છે – એ રહસ્ય મ્હારાથી સમજાતું નથી. ધન્ય ભાગ્ય તમારું - નકકી, અલખ તમારા હૃદયમાં જાગે છે.”


  1. ૧. ફીલોસોફી.
  2. ૨. પક્ષમંત્રી=કાઉન્સલ ?=બારીસ્ટર.
  3. ૩. Religious Superstition.