પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

કુસુમે કર્યું એટલું જ નહી, પણ એ નવરો પડે અને મિત્રશોકના વિચારમાં પડી ઉદ્વેગમાં ન ર્‌હે તેને માટે વિનોદ કરવાનું કામ પણ કુસુમે સાધ્યું. ઉતારાની ઓસરીમાં ચંદ્રકાંત બેઠો હતો ત્યાં એને સારુ કુસુમ એક બે પુસ્તક લઈ આવી અને બોલીઃ “ચંદ્રકાંતભાઈ, ગુણીયલે આ પુસ્તક કુમુદબ્હેનને શીખવેલાં છે અને મને શીખવવાનાં છે. પણ મ્હારા પિતાજી પણ એ પુસ્તકોના રસીયા છે માટે તમને પણ રસ પડશે ખરો.”

પુસ્તક જોતો જોતો ચંદ્રકાંત સુખી અને દુ:ખી થયો. આ સુકુટુંબનો સદભ્યાસ અને સદાગ્રહ જોઈ સુખી થયો. પોતાના મિત્રના અને એ કુટુંબનો સંબંધ કથાશેષ[૧] થયો સ્મરી દુ:ખી થયો, કુસુમ તેના નિઃશ્વાસ ચેતી ગઈ અને બોલી,

“ચંદ્રકાંતભાઈ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ મને એમ લાગે છે કે ઘર છોડી રૉબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઈ મન હશે.”

દુઃખમાં પણ આ પ્રશ્રે ચંદ્રકાંતને હસાવ્યો, “ બ્હેન, તમને રૉબિન્સન ક્રૂઝો ક્યાંથી સાંભર્યો?”

“એને પણ ઘર છોડી આથડવાનું મન થયું હતું તેમ આમને પણ થયું હશે.”

“પણ એ કાંઈ સારું ક્‌હેવાય ?”

“મને તો એમ આથડવું બહુ ગમે. હું તો રોજ ગુણીયલને કહું છું કે ઘરમાં ને ઘરમાં શું ભરાઈ રહેવું ? ખરું પુછો તો ભદ્રેશ્વર જવાનું મ્હેં જ ઠરાવ્યું હતું. મને તો લાગે છે કે એમને બધે ફરવાનું મન થયું હશે અને ઘરમાં આવું થયું એટલે બધાંને માથે ઢોળી પાડવાનો લાગ ખોળી ભાઈસાહેબે મનમાનતું કર્યું !”

“તે તો પરણીને પણ થાત.”

“પણ એ બધી અણસરજી પીડા. આ જુવોને કુમુદબ્હેનને પરણ્યાનું જ ફળ છે કની ? મ્હારે કાંઈ છે ? પરણ્યાં એટલે પડ્યાં !!”

“બ્હેન ! એવું બોલાય નહીં હોં !”

કુસુમ કંઈક શરમાઈ ગઈ ને મનમાં બડબડી, “બળ્યું ! કોઈની સાથે ભળ ભાગે એટલે લુલીબાઈ હાથમાં ન ર્‌હે:” મ્હોટેથી, વાત ફેરવી, બોલી.


  1. જે વસ્તુ હાથમાંથી જતી રહી અને તેની કથા કરવા જેટલા શેષ ભાગ શીવાય કંઈ હાથમાં રહ્યું ન હેાય તેવો.