પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

“કાકી, એ તો આપણને કોઈ દેખે નહી એટલી સંભાળ રાખવાની છે. આપણે ન જોવું એમ કાંઈ નથી.”

સુંદર છાનું છાનું બોલીઃ “હા, પણ ચક ઉંચો કરે છે તે ?”

“સારું ! સારું ! એટલી ચોરી કરતાં આવડતી નહી હોય? બોલો જોઈએ મ્હેં તમારી પાસેથી શું ચોર્યું ? ખબર છે કાંઈ?”

“મોઈ રાંડ, ચોરી કરતાં યે આવડી:” સુંદર જરી ઉંચી થઈ શરીર સંભાળવા લાગી.

“બેસો, બેસો, એ તો જરા મ્હારે માગ કરાવવો હતો તે ઉઠાડ્યાં.”

“આ ચંદ્રકાંત અંહી ન હત કેની તો ત્હારા માથાપર બેસત. મને પણ ઠગે છે !”

“હું યે મ્હારો વખત જોઈ ઠગું છું કે તમારાથી બોલાય નહી. ચંદ્રકાંતભાઈ ન હત તો બેસત નહી તમારા ખોળામાં ?”

“બેશ, બેશ હવે કાંઈ ઝાલતાં ઝલાય છે ?”

કુસુમ મોકળાશથી બેઠી. આ વાતો એટલી ચુપકીથી કરી હતી કે પાસે બેઠેલા ચંદ્રકાંતને કાને સ્વર સરખો ગયો ન હતો.

બારણે મહારાજની સવારી પાસે આવી.

રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીશ એકવીશ વર્ષનું હશે, એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બે ત્રણ વર્ષ થયાં હતાં અને મણિરાજ ગાદી ઉપર બેઠા પ્હેલાં થોડા કાળ ઉપર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને ન્હાનપણમાંથી મૃગયાનો સ્વાદ પડેલો હતો અને તે દિવસે દિવસે વધેલો હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલો આ વૃત્તિને ઘણાં અનુકૂલ હતાં, કારણ તેમાં મનુષ્યની વસ્તી આછી અને પશુની વસતી ઘાડી હતી. એ જંગલનું લાકડ પોતાની જાતની આજ્ઞા વિના કપાય નહીં અને જંગલનો નાશ થાય નહી એ વાતની મણિરાજ જાતે વ્યવસ્થા રાખતો. જ્યાં જંગલ ઘાડું ત્યાં દુષ્કાળની ભીતિ ઓછી એ નવીન શાસ્ત્ર મણિરાજને ગમી ગયું હતું, કારણ જંગલના રક્ષણથી મૃગયાના સ્વાદભોગને અનુકૂલતા હતી એટલું જ નહીં પણ જુની વાતોના નાશના આ યુગમાં કાંઈપણ પ્રાચીન પદાર્થનું રક્ષણ નવા શાસ્ત્રને બળે થતું હોય તો તે શાસ્ત્રનું ગ્રહણ કરવામાં મણિરાજને ઓર આનંદ મળતો. એ શુદ્ધ રાજપુત્ર[૧] ઉચ્ચાભિલાષનો ગર્ભશ્રીમંત હતો, અને એ અભિલાષ-લક્ષ્મીને


  1. ૧. રાજપુત્ર-રજપુત