પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

છે? એનો કાગળ કાલ જ આવ્યો હતો ને એના પેટમાં મ્હારી સાથે કાંઈ કાંઈ વાતો કરવાની હશે તે સઉ એમની એમ રહી !”

“ગુણસુંદરીબા, હવે ગભરાવું નકામું છે. નદી કોઈના હાથમાં નથી, પણ તમારે પુણ્યે સારાં વાનાં થશે એમ આશા રાખજો. નીકર બ્હારવટીયાઓમાંથી ઉગરવું સ્હેલું ન હતું. પણ જેને રામ રાખે તેને ગામ શું કરે ? ઈશ્વરની દયા છે ને તમારું પુણ્ય છે. ગાડીવાન બીચારો રડતો હતો અને ક્‌હેતો હતો કે સાસરામાં બ્હેન લક્ષ્મીજી પેઠે પૂજાતાં હતાં, પુણ્યશાળીનાં છોરુ પુણ્યશાળી જ હોય ! ઈશ્વર આવાં બે ઘરમાં તાળાં નહીં વાસે !”

ગુણસુંદરીનું હૃદય આથી તૃપ્ત થયું નહીં. પોતાની ખરેખરી યુવાવસ્થાનું પ્રથમ ફળ, કુટુંબના અસહ્ય ભારને સમયે લોકાચારને વશ રહી જેને લાડ સરખું લડાવ્યું ન હતું અને તેની ખરી અનાથ બાલ્યાવસ્થામાં મા વગરની હોય એવી રીતે તેને સુંદરની પાસે નાંખી મુકી જેની પોતે કાંઈ પણ સંભાળ લીધેલી ન હતી એવી, સુશીલ રંક સ્વભાવની બાળકી, જેણે કોઈ દિવસ કોઈના સામે ઉચ્ચાર સરખો ક્‌હાડ્યો ન હતો, જેને હીનભાગ્યે સરસ્વતીચંદ્ર સરખા વરે ત્યાગ કર્યો અને પ્રારબ્ધે કરાવેલી ઉતાવળને બળે પ્રમાદધનની સત્તામાં ફેંકી દીધીઃ આવી પુત્રીના ગુણ અને દુર્ભાગ્ય સંભારી સંભારી ગુણસુંદરી પળવારમાં દુ:ખીયારી થઈ ગઈ અને જગતમાં કશાથી પણ હવે સુખ થવાનો સંભવ ન લાગ્યો. નદીમાંથી પાછી આવે એ આશા નિષ્ફળ લાગી. લમણે હાથ દેઈ બારણાં વચ્ચે તે બેઠી, અને એને શી રીતે શાંત કરવી તે કોઈને સુઝ્યું નહીં. બેઠી બેઠી તે માત્ર અત્યંત ધીમે સ્વરે રોવા લાગી અને મ્હોં વાળી ભરાઈ આવેલું હૃદય ખાલી કરવા લાગી.

“ન મ્હેં લડાવ્યાં લાડ, પુત્રી,
“દુઃખમાં દીધો ભાગ રે;
“સુખ દેવા મને મળ્યું ન, પુત્રી,
“માગ, માગ, કંઈ માગ રે !
“હાય ! હાય રે ! કુમુદ મ્હારી મીંચાઈ! ... ૧
“ન્હાનપણેથી કરી નમાઈ,
“નિર્દય મ્હારી જાત રે !
“દયા ન આણી મ્હેં તો કાંઈ,