પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
“બ્હેન અલક ખલકની પેઠે એનો પગ ટાળશે,
“ભોળા ભાઈનું છોડવી ભૂત તમોને બોલાવશે. ૬
“મ્હારા સમ જો રજ ગભરાવ; ચતુર વિદ્વાન છો;
“પ્રભુ ઉપર છે તમ જોર, પ્રભુનાં દાસ છો. ૭
“સત્ય આખર છે તરનાર, જુઠાં જખ મારશે;
“વ્હાલી વનલીલાને સંભારી કુમુદ સમ પાળશે.” ૮

વાંચી, વિચાર કરી, ગુણસુંદરી બોલી ઉઠી: “સુંદરભાભી, ગજબ થયો છે. ચંડિકાભાભીના જેવું દુઃખ કુમુદને જોઈ લ્યો.” દીકરીના દુઃખથી માતાની આંખમાં ફરી આંસુ ઉભરાયાં.

“હેં ! એ ફુલથી તે એ કેમ વેઠાયું હશે? ભાભી, એ દુઃખનું માર્યું માણસ જીવ ક્‌હાડી નાંખે હોં ! આ નદીમાં અમસ્તી પડી નથી, લ્યો ! નક્કી, જાણી જોઈને એ દુ:ખમાંથી છુટવા પડેલી ! ઓ મ્હારી બ્હેન ! અમારે મ્હોંયે વાત કરવા જેટલી વાટ તો જોવી'તી ?” સુંદર પ્હાડો જોતી જોતી દુઃખભરી બોલી અને બોલતાં બોલતાં એની આંખમાં વધારે આંસુ ભરાયાં, અને આંસુભરી આંખે વળી બોલી: “દુ:ખ ખમવાને તો મ્હારી પેઠે દુઃખમાં ઘડાયલાંનું જ ગજું હોય - પણ, ઓ મ્હારા ફુલ, ત્હેં તે આ વજ્રનો માર કેમ સહ્યો હશે ? બ્હેન, મ્હેં તો તને કદી રોતી જોવાઈ નથી તે તને આ શું થયું હશે ?” કુસુમે પણ આંસુમાં આંસુ ભેળવ્યાં, અને અંતે આંસુમાં બનેવી ઉપરનો ક્રોધ ભેળવી ભમર ચ્હડાવી.

કાગળમાં બીજી વાતો લખી હતી તેના ઉપર તર્ક કરવામાં ગુણસુંદરી ગુંથાઈ કુમુદ ઉપર આરોપ મુકવા પ્રમાદધને સંકેત કરેલો જાણી મનમાં ડ્હામ દેવાયો. નવીનચંદ્રનું નામ વાંચી તે કોણ હશે એવો સહજ પ્રશ્ન ઉઠી શાંત થઈ ગયો. કુમુદ આવે તો એનાં સુખદુ:ખ જાણવાની અને એનું સાંત્વન કરવાની પોતાની ઇચ્છા તૃપ્ત થાય એ વિચારથી માતા પુત્રીને મળવા આતુર બની ગઈ. હૃદયમાં એક પાસથી આ આતુરતા ઉભરાઈ જવા લાગી ત્યારે બીજી પાસથી નિરાશા મરણની પેઠે શૈત્ય આણવા લાગી. આ દ્વૈધીભાવ આજ સુધી વેઠેલાં સર્વ દુઃખ કરતાં વધારે અસહ્ય લાગ્યો.

કુમુદનું અમંગળ નિશ્ચિત થાય તો વનલીલાને રત્નનગરી બોલાવી, એની પાસેથી સર્વ જાણી, મરનારના મરણનો શોક સોગણો વધે અને હૃદયમાં કાંટા વાગે તો જ ગાય જેવી રંક અને નિર્મલ પુત્રીને કસાઈવાડે બાંધ્યાના મહાપાપનું પ્રાયશ્ચિત્ત થાય અને તે પ્રાયશ્ચિત્ત શોધવું જ એવો નિશ્ચય કર્યો. વર વિના સર્વ સાસરીયાં કુમુદ ઉપર પ્રીતિ રાખતાં હતાં તેનો