પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

પણ વિચાર થયો અને તે વિચાર થતાં તેમના કુટુંબને કસાઈવાડાની ઉપમા આપ્યાથી મહાદોષ થયો એમ લાગ્યું. સૌભાગ્યદેવી, અલકકિશોરી, અને બુદ્ધિધન એ ત્રણ નામ સ્મરણવશ થતાં પવિત્ર નામોએ પવિત્ર હૃદયમાં પવિત્ર પ્રીતિસંસ્કાર જગાડ્યા અને તેની સાથે મનનું દુઃખ ઓછું થઈ ગયું. તોપણ પુત્રીનું દુઃખ પાછું કાળા વાદળા પેઠે દૃષ્ટિ આગળ એકલું એક ખડું થયેલું હતું તે સ્પષ્ટ દેખાયું. એ દુઃખમાંથી છોડવવા વિદ્વત્તા અશક્ત નીવડી. હવે તો સર્વ દુ:ખનો સાથી, હૃદયનો મંત્રી, મ્હારી ક્રિયામાત્રનો તંત્રી, આ દુઃખમાં સમાન અનુભવનો ભોગી, મ્હારો ચતુર આવે તો જ આ વિષમ દશામાંથી છોડવે એવો વિચાર ગુણસુંદરીને થયો, અને આ સંસાર, કોટિને પ્રસંગે એ પતિને દુ:ખી સ્ત્રીનું હૃદય શોધવા લાગ્યું તેની સાથે દ્વાર આગળથી એક દાસી આવી ધીમે રહી કહી ગઈ કે પ્રધાનજી આવે છે. આ સાંભળ્યું કે સર્વ ઉઠ્યાં અને ગુણસુંદરીની દુઃખદશાની રાત્રિમાં ઉગતા ચંદ્રનાં કિરણ દેખાયાં. પતિનો સ્વર પણ બ્હાર સંભળાયો, અને અમૃતપવનની અચીન્તી લ્હેર દુ:ખી શરીરિણી ઉપર આવી.

न खलु दूरगतोऽप्यतिवर्त्तते
क्षणमसाविति बंधुतयोदिते: ॥
प्रणयिनो निशामय्य वधूर्बहिः
स्वरमृतैरिव निर्ववो ॥*[૧]


  1. *માઘ ઉપરથી
    “દૂર ગયો પણ એ ક્ષણ ના ચુકે
    અમૃતલ્હેર સમા સખી-શબ્દ એ
    પતિવ્રતા શુણતાં ઠરી, જયાં શુણ્યો
    ગૃહની બ્હાર પ્રિયસ્વર તત્ક્ષણ.



પ્રકરણ ૩.
મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ.

સરસ્વતીચંદ્રના શોધ સારુ ચંદ્રકાંત મુંબાઈથી નીકળ્યો તે પછી ત્યાં શું થયું તે સમાચાર જાણવાનો હવે અવસ૨ છે.

પ્રિય પુત્રના વિયોગથી અને પોતે જ તેનું કારણ હતો તે જાણી વૃદ્ધ લક્ષ્મીનંદનના હૃદયમાં ઉંડો ઘા પડ્યો હતો. યુવાવસ્થામાં સ્ત્રીપુત્રાદિવિષયે નવો ઉત્સાહ હોય છે ખરો, પણ તે કાળનું