પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

લોહી મનને સ્થિતિ-સ્થાપક બળ આપે છે અને તે બળથી સ્ત્રીપુત્રને વિયોગે પણ દુઃખનો ઘા રુઝવાની આશા ર્‌હે છે. પણ જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઋતુનો વા વાય છે તેમ તેમ મન પોચું થાય છે, અને જેમ જેમ સંસારના ત્યાગનો પ્રસંગ આવે છે તેમ તેમ યમરાજનાં પગલાંના ધબકારા દૂરથી સંભળાતા હોય અને વિયોગની કલ્પના ખડી થતી હોય તેમ વૃદ્ધાનાં હૃદય વૃદ્ધાવસ્થાના દંડરૂપ બાળકોના ઉપર લટકે છે અને તેમનાં સુખ- દુઃખનાં અનુમોદન તેમ અનુશોચન બળવાન થાય છે. વિદ્વાન બુદ્ધિમાન સરસ્વતીચંદ્ર જેવા પ્રિય પુત્રને સંભારી સંભારી વૃદ્ધ પિતા દિવસે દિવસે ક્ષીણ થતો ગયો અને પોતાનું અશેષ દ્રવ્ય તેને શોધવામાં ખર્ચવા તત્પર થયો. મુંબાઈનગરીની પોલીસમાં, પરદેશમાં, પોતાના ઓળખીતા અમલદારો અને વ્યાપારીયોમાં પોતાના અનેક સેવકોમાં, અને અન્યત્ર જ્યાં સુઝ્યું ત્યાં લક્ષ્મીનંદન અત્યંત દ્રવ્ય વેરવા લાગ્યો, અનેક ઉપાયો યોજવા લાગ્યો, અનેક પુરૂષોની બુદ્ધિની સહાયતા લેવા લાગ્યો, અને પોતાના વ્યાપારનાં સર્વ યંત્ર ધૂર્તલાલને સોંપી જાતે રાત્રિદિવસ પુત્રના શોધની જ ચિંતામાં ર્‌હેવા લાગ્યો. અન્ન ઉપરથી તેની રુચિ ઉઠી ગઈ નિદ્રા કરવાને ઠેકાણે રાત્રિના બબે ત્રણ ત્રણ વાગતા સુધી સુતો સુતો છત સામું જોઈ જાગ્યાં કરે, અને સર્વ કાળે પુત્રનું શું થયું અને તેને ક્યાં શોધું તે જ વિચાર કર્યા કરે. તે કોઈની સાથે હોય ત્યારે તેનું મુખ ગરીબડું થઈ જતું અને આંખમાં પાણી ભરાઈ આવતું. એકાંત એકલો હોય ત્યારે બેઠો બેઠો અથવા સુતો સુતો અાંખમાંથી જળની ધારા ચાલ્યાં કરે તે લ્હુવે પણ નહીં. જયાં જાય ત્યાં પુત્ર વિના વાત નહીં અને પુત્ર વિના વિચાર નહી. જયારે ત્યારે આંખ આગળ પુત્રનું મુખ તરે અને કાનમાં તેનાં સ્વરના ભણકારા વાગે. બે માસમાં તેના શરીરમાંથી માંસ રુધિર સુકાઈ ગયાં અને હાડકાં રહ્યાં. આંખમાંથી તેજ ગયું અને ડોળા ડગમગવા લાગ્યા. સર્વ કોઈ એમ જ ક્‌હેવા લાગ્યાં કે હવે ગમે તો શેઠ ઘેલા થઈ જશે કે ગમે તો એનો દેહ છુટશે.

જયારે સર્વને શેઠની દયા આવવા લાગી ત્યારે એમના સાળા ધૂર્તલાલને નવો નવો ઉમંગ આવવા લાગ્યો. શેઠે ગુમાનને તો હવે બોલાવવી પણ બંધ કરી હતી અને ધૂર્તલાલની પાસેથી સરસ્વતીચંદ્રને શોધવાનું દ્રવ્ય માગવા શીવાય કંઈ પણ હીસાબ પુછવાનું છોડી દીધું હતું. વહુની રીસ તો સાસુનો સંતોષ એ માર્ગ પકડી ધૂર્તલાલ લક્ષ્મીનંદને પકડેલી આ રીતને અનુકૂળ થઈ ગયો.

“દગલબાજ દ્‌હોરા નમે, ચિત્તા, ચોર, કમાન.”

પુત્રશોકમાં પડેલા ધનપતિનું ધન હરી લેવાના માર્ગ શોધવામાં