પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭


ધૂર્તતાની હીંમત જોઈ આશ્ચર્ય પામતો હરિદાસ બોલ્યો: “વાહ, બહુ બેશ ઉપાય શોધ્યો. કાલ બપોરે જ શેઠને ચતુર્ભુજ બનાવી મોકલી દેવા. પણ પછી ? પોલીસ ક્યાંથી લાવશો ?”

“આ ચીઠી લેઈ લતીફખાન જમાદાર અને ધુરકેરાવ હવાલદારને જઈને આપવી કે વખતસર પોલીસને હાજર રાખવી.”

“એ પણ ઠીક. કોણ ચીઠી આપશે ?”

“હરિદાસ વગર બીજું કોણ ? હું સિદ્ધ ને તું સાધક.”

“ ઠીક છે, શેઠ, બપોરે બાર વાગે એ મ્હારે કરવું.”

આ ગોઠવણ પાર ઉતારવા સારુ હરિદાસે ત્રણ હજારની નોટો રોકડ ધૂર્તલાલ પાસેથી લીધી. રાધાસાનીને ત્યાં પણ એને ધૂર્ત લેઈ ગયો, નાયિકાના હાથની બીડી અપાવી, અને નાયિકાપાસે ઠુમરીઓ ગવડાવી. હરિદાસે બીડી ખીસામાં મુકી, ઠુમરીઓ સાંભળવાના રસમાં પડેલા શેઠના સાળા પાસે પ્રસંગે પ્રસંગે દુકાન સંબંધી એનાં કપટનાં મર્મની કુંચીઓ ચોરી લીધી, અને આખરે જાતે બ્હીકણમાં ખપી આ હીંમતવાળી પરસ્પર - ધૂર્ત ધૂર્ત- ધૂર્તાની જોડને એકલી મુકી પોતાને ઘેર ગયો. ધૂર્તલાલની આપેલી ચીઠીઓ સાચવી રાખી. ઘણાક વિચાર કરી આખરે સુઈ ગયો. બીજે દિવસ છેક બપોરે દુકાને ગયો. ત્યાં પ્રથમ ધૂર્તલાલ અને પછી લક્ષ્મીનંદન એકાદ બે મીનીટને અંતરે આવ્યા. હરિદાસ બેમાંથી કોઈની સાથે વાત ન કરતાં પોતાની પેટી ઉઘાડી છાનોમાનો એક મ્હોટો ચોપડો ઉઘાડી લખવા બેઠો. નીચે પોલીસનાં માણસ ફરતાં હતાં તેને શેઠે પોતાના સાધનરૂપ ધાર્યાં અને ધૂર્તલાલે પોતાનાં ધાર્યાં. હરિદાસને પણ ઉભયે પોતાનો ધાર્યો. ઉભય પોતાનો વિજય સિદ્ધ થવાનો નિશ્ચય કરી પોતપોતાના અભિમાનમાં - દર્પમાં - ઉન્મત્ત હતા. છાતી ક્‌હાડી સઉની સલામો ઝીલતા શેઠ પોતાની ગાદીએ બેઠા, મુછો આમળતો ધૂર્તલાલ પોતાને ઠેકાણે બેઠો. બેની ગાદીયો વચ્ચે એકાદ હાથનું છેટું હતું. હરિદાસની અને તેમની વચ્ચે ત્રણ ચાર બીજા ગુમાસ્તા બેઠા હતા. ઘણે દિવસે શેઠ દુકાને આવ્યા દેખી સઉ પોતપોતાનું કામ ઉતાવળથી થતું બતાવવામાં ખંતી દેખાયા.

સાળો બનેવી થોડીક વાર કાંઈ બોલ્યા નહી. અંતે ધૂર્તલાલ બોલ્યો : “વાહ શેઠ, આજ આપ પધાર્યે શી દુકાન શોભે છે? અંબાડીવગરનો હાથી અને પાઘડીવગરનું માથું તેવી શેઠ વગરની દુકાન આજસુધી હતી.”

“તમે ક્યાં ન્હોતા ? મ્હારા તમારામાં ક્યાં ભેદ છે ?” શેઠ અધીરાઈ સંતાડી બોલ્યા.