પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭


"किमसुमिर्ग्लपितैर्जङ मंन्त्रसे
"मयि निमज्जतु नीमसुतामनः।
"ममं किल श्रुतिमाह तदर्थिकाम्
"नलपरामपरो विबुधः स्मरः॥[૧]

બોલતાં બોલતાં એના મુખ ઉપર લજ્જાનો રંગ ચ્હડ્યો. શાંત પડી પાછી બોલી: “ચંદ્રાવલી બ્હેન ! નળનું મન ઉછાળવાની શક્તિને માટે દમયંતીની દેવતાઓએ સ્તુતિ કરી હતી તેવી જ પોતાનું મન ઉછાળવાની શક્તિને માટે આ પુરુષે મ્હારી સ્તુતિ કરી હતી. આવું છતાં એણે મને મ્હારા હિતને માટે છોડી. ક્‌હો વારુ એ તે સંસારી કે જોગી ? હું પણ હવે એના હૃદયની પવિત્રતાને અનુસરી, એના વિચારને છોડી, માજીના ચરણ-સ્પર્શમાં ચિત્ત પરોવીશ.”

ચંદ્રા૦–“ધન્ય, બેટા ! ધન્ય છે. માજીના ચરણ આ મ્હડીમાં છે તેટલા જ ન સમજીશ. એ ચરણ આખા વિશ્વને રોકે છે અને માજીની દીકરીયોના હૃદયમાં સમાય છે માજીની જે મૂર્તિ આપણે સેવીયે છીયે તેતો તેમના યોગને માટે, પણ માજીના સ્વરૂપનું જ્ઞાન જોઈયે તો તેમને અન્ય સ્વરૂપે સમજવાનાં છે. જ્યાં જ્યાં સ્ત્રીલિંગથી નામ છે અને શક્તિ કાર્યથી આકાર છે તે તે સર્વ સ્થાને માજીના સાકાર સ્વરૂપનું જ્ઞાન પામી જા. જ્યાં જ્યાં એ નામરૂપની કારણશક્તિ છે ત્યાં ત્યાં માજીના નિરાકાર સ્વરૂપને જોઈ લે. માજીની મૂર્તિના એકાગ્ર યોગથી તું સંસારને ભુલી જઈશ. એના નિરાકાર સ્વરૂપને પામી તું એના પદને પામીશ, અને ત્હારા હૃદયમાં શક્તિ આરૂઢ થશે. તે પછી સંસારમાં જ્યાં જ્યાં ત્હારી દૃષ્ટિ પડશે ત્યાં એના સાકાર સ્વરૂપનો અનુભવ તું કરીશ અને સર્વત્ર મહાલક્ષ્મીનાં દર્શન કરીશ.”

આ ઉપદેશ સાંભળતાં સાંભળતાં ફરી કુમુદસુંદરી સમુદ્ર ભણી જોઈ રહી અને ઉત્તર દેવાનું ભુલી ગઈ. ચંદ્રાવલી તેને બીજો વિનોદ આપવા લાગી.

“બેટા, હાલ માજીનાં નવરાત્રિ ચાલે છે અને થોડીક વાર પછી સુરગ્રામની સ્ત્રીયો ગરબાનાં દર્શન કરવા આવશે. આપણે ગરબો પ્રકટી મુકેલો છે તેની પાસે બેસી સઉ માજીનો ગરબો ગાઈશું, અને તેમાં એના શુદ્ધ સ્વરૂપને પ્રતીત કરીશું.”


  1. नैषघ