પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
“ નિરાકાર અને સાકાર તું ! માજી૦
“ સ્વધા, સ્વાહા, વળી વષટ્‍કાર, તું !
“ સુધા, નિત્ય, અક્ષર, સર્વાધાર, તું. માજી૦
“ માત્ર માત્રા પ્રકટ અર્ધ ત્હારી છે!
“ શેષ શોધી શોધી વાણી હારી છે ! માજી૦
“ વાણી હારે ને મન પણ હારતું !
“ છે નિરંજન ને નિરાકાર તું ! માજી૦
" માના કીર્તનમાં સુધાશુક્તિ છે !
" માની ભક્તિમાં સાયુજ્યમુક્તિ છે ! માજી૦
“ ચણ્ડીપાઠ ભણે ચન્દ્રાવળી !
“ માને ચરણ પડે એ લળી લળી ! માજી૦”

આ પ્રમાણે ગીત પછી ગીત અને કીર્તન પછી કીર્તન ગાતાં સર્વજણે રાત્રિના પ્રથમ બે પ્રહર ગાળ્યા અને તેને અંતે, માતાના ચરણમાં યથાશક્તિ યથામતિ આત્મ-ચિત્તમાં રહેલા પદાર્થોનો યોગ સાધી, મન્દિર બ્હાર અને ભરતીના પાણી વચ્ચેના ઓટલા ઉપર સર્વ સ્ત્રીઓ ભૂમિની શય્યા કરી અને ચંદ્રિકાને હોડી લેઈ સુઈ ગઈ. સમુદ્રનાં મોજાનો મૃદંગનાદ તેમની વૃત્તિઓને શાંત કરવા લાગ્યો, અને તેના જળકણને સાથે લઈ ઉડતી પવનલહરી તેમનાં શરીરમાં જડતા ભરી નિદ્રાદેવીનો વિજયશંખ ફુંકવા લાગી.

સર્વનાં નેત્ર મીંચાયાં ન મીંચાયાં થયાં ત્યાં કુમુદે પોતાનાં નેત્ર કંઈક ઉઘાડ્યાં અને આકાશમાંના ચન્દ્ર-બિમ્બમાં હૃદયના ચંદ્રની પ્રતિષ્ઠા કરી. એ યોગમાં થોડીવાર લીન રહી, તેમાંથી જાગતાં ભક્તિમૈયાનો નવીનચંદ્ર સાંભર્યો. તે જ કાળે ચંદ્રાવલીએ પાસું ફેરવ્યું અને અાંખો ઉઘાડી. મધુરીની આંખો ઉપર ચંદ્રાવળીની અાંખો પડી.

“મધુરી, તું હજી જાગે છે ? ”

“ચંદ્રાવલી બ્હેન, મ્હારામાં એવી વાસના ઉત્પન્ન થઈ છે કે કાલ પ્રાતઃકાળે હું ભક્તિમૈયા સાથે યદુશૃંગનાં દર્શન કરવા જાઉં.”

વાતો સાંભળતાં ભક્તિમૈયા જાગી. “ ચંદ્રાવલીમૈયા, મધુરીને મ્હારી સાથે મોકલો. ”

ચંદ્રાo- “પણ મૈયા, એના ન્હાના કોમળ ચરણ એ. ગિરિરાજ