પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩


બધાંને બકવું હોય તે બકે ને ઘરમાં પઈસા ખુટશે તો હું ચાંદ્રાયણ કરીશ ને સઉને સાથે ભુખ્યાં રાખીશ. પણ જેને શોધવા ગયા છો તેને લઈને જ આવજો ને હાથમાં આવેલા પાછાં ન્હાસવાનું કરે તો આ કાગળ વંચાવી દાખલો દેજો કે ગંગાના જેવી બાયડીઓ ઘેરે ઘેર વેઠે છે ને પ્હોચી વળે છે તેનાથી હજારમા ભાગ જેટલી તમને તો કોઈએ ચુંટી પણ ભરી નથી ને એવા સુકોમળ તમે થયા તેમ સઉ ભાયડાઓ થશે તો બ્રહ્માએ ઘડેલી બધી બાયડીઓ કુમારી રહેશે. પણ બાપના વાંક માટે બાયડીને રોવડાવો એવો ન્યાય બારીસ્ટરે કર્યો તેવો ન્યાય તમારું જોઈ વકીલ કરી બેસશે તે બીચારાં કુમુદસુંદરી તો ગરદન માર્યાં મુવાં પણ ગંગાભાભી તો તમારી કોટે વળગશે.”

ગંભીર અને તીવ્ર આવેશને કાળે સર્વે ભુલી ઉભો થયો ને એકલે એકલે પણ ખડખડ હસી પડ્યો.

“ગંગાભાભી, તમે સઉથી જોરાવર !” વળી શાંત પડ્યો ને શોકની છાયા મુખ ઉપર આવી. “ચંદ્રકાંત, આ સર્વે હાસ્યરસ વચ્ચે ઉભાં થઈ ત્હારા સંસારના શોકશંકુ મ્હારું હૃદય વીંધે છે. ગંગાભાભી, શું તમે એમ કહો છો કે ઘેરેઘેર આર્ય સ્ત્રીઓની દશા તમારા જેવીજ છે ? જો એમ હોય તો તેથી મ્હારું દુ:ખ શાંત થવાને બદલે સહસ્ત્રધા પ્રદીપ્ત થાયછે. શું આ દુઃખ ઘેરેઘેર છે? સરસ્વતીચંદ્ર, ગૌતમ બુદ્ધને જેમ એક સંજ્ઞા જોઈ અનેકનું ભાન થયું તેવુંજ તને અત્યારે થાય છે અને ત્હારા દુ:ખની વાદળી આકાશના એક ન્હાના ભાગમાંથી વેરાતી દેખાઈ આકાશના સર્વ ભાગને ઘેરી લેઈ બંધાય છે ? હરિ! હરિ ! હરિ ! અહા ! પ્રિય કુમુદ ! ત્હારો ત્યાગ કરી મ્હેં તને એકલીને અનાથ કરી નથી, પણ અનેક સ્ત્રીયોને અનાથ કરી છે ! ત્હારા જેવી સહધર્મચારિણીના સંયોગથી હું સર્વે સ્ત્રીજાતિ સાથે મ્હારા કાર્યને સાંધી શકત ને ગંગાભાભી જેવી અનેકનાં દુઃખ દૂર કરત! – આ સર્વેમાં ત્હારો અને ધનનો – ઉભયનો – ખપ હતો અને ઉભયનો મ્હેં ત્યાગ કર્યો ! ગંગાભાભીનાં અશિક્ષિત વાક્યોમાં પણ સ્ત્રીજાતિનું પવિત્ર રસચેતન સ્ફુરે છે અને સ્ત્રીજાતિનું સ્નેહસ્વાતંત્ર્ય બળથી ધસારા કરેછે – તો – તેનામાં વિદ્યાના આવાહનથી શું ન થાત ?”

“મુજ દેશ વીશે રસમાળી વિના
“ફળપુષ્પ ધરે નહી નારીલતા !
“રસશોધનસેચન ના જ બને !
“ધનરાશિ અચેતન મુજ રહે !”