પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨


સંન્યાસ છે, અને એ સંન્યાસની શાન્તિને કાળે તને અને મ્હારા ત્હારા દેશને સ્મરીશ અને વગર દ્રવ્યે તેમનું હિત કેમ કરવું એ વિચારી મ્હારો પક્ષવાદ સિદ્ધ કરીશ.”

પોતાના વેશ ભણી જોઈ હાથેલીથી અંચળાને ઝાલી, તેના ભણી જોઈ બોલ્યો.

“અલખના અરક્ત રક્ત રંગ ! હું તને અપમાન નહી આપું. “પ્રકૃત વ્યવહારમાં વિહરવું.” એવી શિક્ષા મને દીક્ષામાં જ મળેલી છે - તો - કુમુદવિષયે હું આમ પ્રવાહપતિત થયો છું અને મને આ જ્વાળામુખ સંન્યાસ અને તેનો વ્યવહાર જ પ્રકૃતિ છે. એ વ્યવહારમાં હું વિહાર કરું અને એ પ્રકૃત તપવડે મનને શુદ્ધ કરું તો આ વેશથી કંઈપણુ વિરુદ્ધતા નથી – કારણ આ મ્હારી દીક્ષા છે !”

આટલું બોલે છે ત્યાં આકાશમાં કુમુદને સ્વર સંભળાયો.

“ લીધો લીધો ભગવો વ્હાલે ભેખ,
“ સુન્દર થયો જોગી રે !
“ મને વ્હાલો લાગે એનો વેશ,
“ થયો બ્રહ્મભોગી રે !”

ચારે પાસ જોયું. પણ કુમુદ જણાઈ નહી.

“અહા ! મ્હારા હૃદયના સંસ્કાર બાહ્ય સંસારમાં પ્રતિધ્વનિરૂપે મૂર્ત્ત થાય છે અને જ્યાં જાઉં છું ત્યાં મને અકળાવે છે – પણ અકળામણ એ જ મ્હારું પ્રાયશ્ચિત્ત માની હું તેને યથેચ્છ વર્તવા દેઉં છું.”

વળી કુમુદને સ્વર સંભળાયો. ,

“ ચંદ્ર જોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે,
“ વ્હાલા ! પ્રીતિને સાજીશું મેલ, રમીશું મ્હાલી રે !”

સ્વર બંધ પાડી, સરસ્વતીચંદ્ર બોલ્યો.

“ હે રમ્ય પ્રિય સ્વર ! પ્રીતિનું આ રમ્ય સ્વપ્ન હું ઇચ્છતો નથી – એ સ્વપ્નના ઉદ્ગારમાં પાપ છે, અહિત છે. હે અમૂર્ત સ્વર ! એ ઉદ્ગારને તું શાંત કર અને મ્હારી દુષ્ટતાના દોષના ઉદ્ગાર ક્‌હાડ !”

અને અન્યથા ઉત્તર મળતો હોય તેમ આ વાક્ય પૂર્ણ થતાં ગુફા અને મઠ વચ્ચેની બારીમાં આવી એક બાવાએ ગર્જના કરી –

“નન્દકો નન્દન એક આનન્દ દેત હય !”

ગુફાની ચારે પાસે પત્થરની ભીંતોમાં, ઉપર આકાશમાં, નીચે ઝરાના