પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩

મિત્ર નરભેરામ તેમના પ્રેમને લીધે મને ફરી સંસારમાં પડેલો જોવા ઇચ્છે છે અને મ્હારી ઈચ્છાવિરુદ્ધ તેમણે લખેલા પત્ર આપે વાંચ્યા હશે. તેમના હાથ રોકવાની મ્હારી શક્તિ નહી, માટે જ એ થયું છે. પણ એમની કોઈની ઇચ્છા સફળ થવાની નથી એટલું આપ મ્હારું સિદ્ધાન્તવચન સમજજો.”

“મ્હારા ઘરમાંથી કુમુદસુંદરી ગયાં ત્યાંથી મ્હારું સર્વસ્વ ગયું. મ્હારો દુષ્ટ પુત્ર ગયો તે તેણે કરેલા અપરાધને યોગ્ય જ થયેલું છે. મને તેને માટે તિલમાત્ર પણ શોક નથી – ઉલટો પુત્રજન્મથી બીજાંઓને આનન્દ થાય એટલો એ પુત્રના મૃત્યુથી મને આનંદ થયો છે. મ્હારું ઘર અને મ્હારો સંસાર એના મૃત્યુથી નિષ્કલંક જ થયો છે.”

“કુમુદસુંદરીની સાસુ વહુના શોકથી ગઈ ! તમારો ગુણસુંદરી ઉપર સ્નેહ છે તે ઉપરથી મ્હારે મ્હારી ધર્મપત્ની ઉપરનો સ્નેહ જાણી લેજો. એણે મ્હારો વિપત્તિકાળ દીઠેલો ને મ્હારો સંપત્તિકાળ પણ દીઠો. સર્વ દશામાં એ મ્હારી ભાગીયણ હતી, અને એવી સ્ત્રીનો હું સ્વામી હતો. એટલાથી મ્હારા હૃદયમાં અભિમાન આવે છે. મ્હારાં પુણ્યનો સંચય આટલા ભોગથી ક્ષીણ થયો હશે એટલે એ ગઈ. હવે વિશેષ સંસાર ભેાગની મને વાસના નથી. નવા ભોગ કે નવો અવતાર ઉભય હવે મને અનિષ્ટ છે.”

“મ્હારું વૈરાગ્ય શ્મશાનવૈરાગ્ય નથી. હું રંક વિધવાનો પુત્ર હતો ને સુવર્ણપુરના મહારાણાનો પ્રધાન થયો. કુમુદસુંદરી સાક્ષાત લક્ષ્મીજીનો કે સરસ્વતીનો અવતાર હતાં. તેમના નિવાસથી મ્હારું ગરીબ ઘર પવિત્ર થઈ ગયું. એની સાસુ જેવી પતિવ્રતાના યોગથી મ્હારો આત્મા પવિત્ર થઈ ગયો. જે ઈશ્વરે એ મહાન્ સંયોગો વચ્ચે મને મુકવાની કૃપા કરી હતી તે જ ઈશ્વરે હવે મને એ સંયોગથી મુક્ત કર્યો છે તે તેણે કાંઈ કારણથી જ કરેલું હશે. મ્હારા મહારાણાની કૃપા મ્હારાથી છુટતી નથી. તેમનાં રાજ્યકાર્યમાં કેટલાક મ્હોટા પ્રસંગો હજી બાકી છે તે પુરા કરી હું એમની પાસેથી એવું માગવાનો છું કે મ્હારે માથેથી ભાર ઉતારી નરભેરામને માથે મુકવો અને મને આત્મકલ્યાણને માટે કાશીવાસ કરવા દેવો. આ યુગમાં સંન્યસ્ત યોગ્ય લાગતું નથી અને જ્ઞાનની પ્રાપ્તિને અંતે જે સંન્યસ્ત થવું જેઈએ તે જ્ઞાન પ્રાપ્ત થતા પ્હેલાં લેવા મને અધિકાર પણ નથી. કાશીનિવાસથી અનેક મહાત્માઓના પ્રસંગ પડશે અને તે શોધવાનો લોભ મને થયલો છે તે છોડી હું સંસારમાં પડીશ એવું નરભેરામ માને છે. પણ તે પામર છે અને