પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧


“પાંડવોના મન્ત્રી કૃષ્ણ હતા તેવા મન્ત્રી આ રાજ્યના રાજાઓએ રાખવા અને દૂર દ્વારાવતીમાંથી ઈન્દ્રપ્રસ્થમાં તેડવા. તેમના અશસ્ત્ર પણ યોગયુક્ત, સારથિત્વનો લોભ રાખવો, અને સટે હૃદયથી પૂજ્યભાવ રાખવો. અર્જુનના યોગાસન ઉપર બેસનાર રાજાયે એ આસનનો યોગ, આવા મન્ત્રીસમક્ષ આદરવો અને લક્ષ્યમાં રાખવું કે सदानुकूलेषु हि कुर्वते रतिं नृपेष्वमात्येषु च सर्वसंपद: રાજાને મન્ત્રી અનુકૂળ જોઈએ – તે ક્રિયાસનમાં, પણ યોગાસનમાં સંપૂર્ણ અંશે અને નીતિઆસનમાં સમાન અંશે રાજાએ મન્ત્રીને જ અનુકૂળ થવું. એ મન્ત્રી પાંડવોનો અને પાંચાલીનો – કૌરવોનો નહી.”

મણિ૦– યોગાસન સામે કુરુક્ષેત્રમાં જવાને માર્ગે જ પ્રધાનજીનું "મન્ત્રાસન” છે.

વિદ્યા૦– હવે આપણે નીતિઆસન ભણી જોઈએ.

ચંદ્ર૦– યોગાસનની વાર્તામાંથી ખસી બીજી વાતમાં જવાનો આગ્રહ પ્રધાનજીનો વિનય કરે એ એમને યોગ્ય છે.

મણિ૦- આપ સત્ય સમજ્યા છો. એટલા માટે મ્હારા જેવા લઘુવક્તાને વિદ્વત્તાના વિસ્તાર બોલવો દુર્ધટ છતાં આ આસનનો ભેદ બતાવવા યત્ન કરવો પડે છે. વધારામાં હવે માત્ર એક બે વાત બાકી છે. ધર્મરાજના ભવનમાં લેખ હતો કે यतो धर्मस्ततो जय:। જો કે એ વાત સત્ય છે તો પણ અતિધર્મ નામના રોગનો ધર્મને પણ ભય છે, ઈશ્વરકૃપા વિના ધર્મને પણ ફળ આવતાં નથી, અને યોગાસન વિના ધર્મનાં રહસ્ય સમજાતાં નથી; માટે રથના દક્ષિણ અશ્વની પાસે લેખ છે તે પ્રમાણે જયનો ઉદ્ધવ કૃષ્ણમાંથી જ છે તેમ બીજો લેખ આ વામ અશ્વની વામ પાસે લટકાવ્યો છે, અને એ લેખોનાં સમાધાન શ્રીકૃષ્ણના હાથમાંની રશનાનાં અને કશાના પડોમાં અનેક યોગરૂપે ગૂઢ રહેલાં છે તે ગીતા આદિમાંથી સમજાય.

દક્ષિણ લેખ વંચાયો:

यथा तु नारदः प्राह यतः कृष्णास्ततो जयः ॥
गुणभूतो जयः कृष्णे पृष्ठोऽन्वेति माधवम् ।
तद्यथा विजयश्वास्य संततिश्चापरे गुणाः॥

વામ લેખ વંચાયો:

यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततोजयः।