પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬

બદ્ધ જનો ઉપર ત્રાસ વર્તાવે તે બન્ધ કરવાના હેતુથી ભીમ-ભવનમાંથી એક આજ્ઞા નીકળી હતી અને તે પછી બે કારાહગૃહ એકજ કારાગૃહાધિકારીને સોંપ્યાં હતાં, અને દેશપાલકોને શંકિતકારામાં માત્ર શોધનને અર્થે જવાના અધિકાર રાખેલા હતા.

ચદ્રકાંતને લઈ પ્રવીણદાસ અને શાંતિશર્મા શંકિતકારાના દ્વાર આગળ આવ્યાં ત્યાં દેશપાલક વર્ગના બે કનિષ્ટ અધિકારીએ- સીપાઈઓ - એમને સામે મળ્યા અને અંતર્–અંદર – લેઈ ગયા.

વચ્ચે એક ચોક અને ચોપાસ લોખંડના સળીયાથી કરેલી કોટડીઓવાળી ઓસરીયો હતી. તેમાંની અર્ધી કોટડીઓ ખાલી હતી અને અર્ધીમાં બન્દીલોક – કેદીઓ – હતા. તેમાંની એકમાં અર્થદાસ બેઠો હતો, તેને કારાધિકારીએ આંગળી વડે દેખાડ્યો અને સર્વ ચોકના મધ્યભાગમાં ખુરશી ઉપર બેઠા. થોડી વારમાં હરભમ, અબદુલ્લાખાન અને ફતેહસંગ ત્યાં આવ્યા. તે પછી રત્નનગરીના રાજ્યનો મુખ્ય દેશપાલક કેટલાક પત્રો તથા લખેલાં પુસ્તકો લઈ આવ્યો.

“સરદારસિંહ, સરસ્વતીચંદ્ર વીશેના સર્વ સમાચાર પુરાવા સહિત ચંદ્રકાંતભાઈને બતાવો” પ્રવીણદાસે મુખ્ય દેશપાલને કહ્યું.

“હાજી, અને તેની સાથે એમનો પોતાનો પણ કેટલીક વાતમાં પુરાવો લેવો પડશે.” સરદારસિંહ બોલ્યો.

"બોલો, બોલો, જેમ નિરુપયોગી વાત એાછી થાય ને ત્વરા વધારે થાય એમ કરજો.” શાંતિશર્મા બોલ્યો.

એક આન્હિક – રોજનીશી - નું પુસ્તક સરદારસિંહ ઉઘાડવા લાગ્યો અને ઉઘાડતાં ઉઘાડતાં બોલતો ગયો.

“જી, સરસ્વતીચંદ્ર કેટલાક માસ સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનભાઈને ઘેર અતિથિ હતા અને તેમને કારભાર મળ્યો તે જોઈ બીજે દિવસે ત્યાંથી નીકળ્યા...... એ નીકળ્યા તેને બીજે દિવસે કુમુદબ્હેન નીકળ્યાં. સુવર્ણપુરની બ્હાર રાજેશ્વર મહાદેવ છે ત્યાંથી એક ગાડામાં બેઠા, અને નીકળતા પ્હેલાં પ્રમાદધનભાઈને ખાનગી માણસ નામે રામસેન એમને મળી આવ્યો હતો. ચંદ્રકાંતભાઈનો એમના ઉપર પત્ર વાંચી. બુદ્ધિધનભાઈ સાથે કેટલીક વાત ચીત કરી, ચંદ્રકાંતભાઈ મ્હારા મિત્ર છે એવું કહી, તેમને મળવા જવાને નિમિત્તે એમણે સુવર્ણપુર છોડ્યું.”

ચંદ્ર૦- “ક્યાં મળવાનું હતું ? ”