પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩


“શ્રીમંત્‌ના રંક મિત્રો શ્રીમંત્ જ સમજવા. આપના મ્હોટાભાઈ અને આપનાં માતા ગંગાબાને માથે શોક્ય લાવવા પ્રયત્ન કરે છે અને તેમને હીરાલાલનો શેઠ દ્રવ્યની સહાયતા આપે છે.”

“ધૂર્તલાલને તેથી શું ફળ ?”

“આપ સરસ્વતીચંદ્રને શોધવું મુકી ઘેર જાવ તો ધૂર્તલાલ નિશ્ચિન્ત થાય તે એને ફળ.”

“એ તો સમજયો–” ચંદ્રકાંત કંઈક હસી પડ્યો, “ મૂર્ખ, એમાં તે છેતરાવાના. ગંગા મરે ત્હોયે ચંદ્રકાંત હાથમાં લીધેલું છોડવાનો નથી તે બીજી બાયડી કરવાની હોળીમાં પડવા માટે તે આ રત્નનો શોધ કરવો પડતો મુકશે ?”

“ત્યારે – તો ક્ષમા કરજો – કાંઈ વધારે પણ સૂચવવું પડશે.”

“સરસ્વતીચંદ્રનું મરણ જેઓ ઈચ્છે છે તેએા જ ગંગાબાની કાશ પણ ક્‌હાડવા ઈચ્છે છે.”

“કારણ?” ચંદ્રકાંતને કપાળે પરસેવો છુટ્યો.

“કારણ એ જ કે મુંબાઈ છોડતી વેળા સરસ્વતીચંદ્રે આપેલા પત્રો તથા દ્રવ્યની કુંચી તમે અંહી હો ને ગંગાબા સ્વર્ગમાં હોય તો જ તેમને મળે. શેઠિયાના ડરથી જો ગંગાબા શત્રુનું કહ્યું નહી કરે તો સ્વર્ગમાં જશે.”

“એ વાત તો ખરી ! અરેરે ! આ ગુંચવારો સઉથી ભારે આવ્યો !” માથું ખંજવાળતો દાંત પીસતો, ડોકું ધુણાવતો, અને હાથપગ પછાડતો ચંદ્રકાંત બડબડ્યો.

“તેની પણ ચિન્તા ન કરશે. આપ અમને આપના સ્વહસ્તના અક્ષર આપો કે ગંગાબા અમારા માણસ ઉપર વિશ્વાસ રાખે અને તેની જોડે મુંબાઈ છોડી અત્રે આવે અથવા આપના કોઈ સમર્થ મિત્ર મુંબાઈમાં હોય તો તેને ત્યાં જાય.”

“તરંગશંકર – ઉદ્ધતલાલ - ના - તરંગશંકર ગરીબ છે – ઉદ્ધતલાલ પ્હોચી વળશે - હા, ઉદ્ધતલાલના ઉપર ચીઠી આપું છું ને પરભાર્યો પત્ર લખું છું તેને ત્યાં ગંગાને મુકજો.”

“ઠીક, તમે ગંગાબા ઉપર પરભાર્યો પત્ર ન લખશો. તે તેના શત્રુના હાથમાં જશે.”

“બરોબર. પણ તમે આ કામ કેટલા દિવસમાં કરશો ?”

“ગંગાબાનું કામ પાંચ દિવસમાં કરીશું. ત્યાં સુધી તો કાંઈ ભય નથી.”