પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪


“તો હું ગંગાને તમને સોંપું છું ને સરસ્વતીચંદ્રને મને સોંપો."

"એમજ. પણ મ્હેં ક્‌હેલી વાત એકેએક લક્ષ્યમાં રાખજો. ભુલશો તો માર ખાશો."

અંહીથી સર્વ વેરાયા, સરદારસીંહના શબ્દોના ભણકારા ચંદ્રકાન્તના કાનમાંથી ગયા નહી. એક પાસ સરસ્વતીચંદ્રને અને બીજી પાસ ગંગાને માથે ઝઝુમતાં ભયસ્વપ્નોએ એની સ્વસ્થતાનો નાશ કર્યો. અંતે રાત્રિ પડી. રાત્રિયે ચંદ્રકાન્તે બાવાની વાટ જોઈ પણ તે મળ્યો નહી. સટે કોઈ વટેમાર્ગુએ તેના હાથમાં ચીઠી આપી કે “ગુપ્ત વાત પ્રકટ થવાના ભયથી આપણો સંકેત પાર ઉતારવામાં ઢીલ થઈ છે. જો એવું ભય તમે જ ઉત્પન્ન કરશો તો સંકેત નષ્ટ થયો ગણવો, જો ગુપ્ત વાત ગુપ્ત રાખી શકશો તો ખોયેલો પ્રસંગ પુનઃપ્રાપ્ત થશે.” સૌંદર્યોદ્યાનના દ્વારબ્હાર અંધકારમાં ચંદ્રકાંત ઉભો હતો ત્યાં એના હાથમાં ચીઠી મુકી વટેમાર્ગુ કંઈક દોડી ગયો, દ્વારના ફાનસના પ્રકાશથી ચીઠી વાંચી ગુંચવાયલો ચન્દ્રકાંત વધારે ગુંચવાયો, ગભરાયો, ખીજવાયો, અને ચિન્તામાં પડ્યો. પ્રાતઃકાળે બાવાને શોધવા, ને ન જડે તો એકલાં યદુશૃંગ જવા, મનમાં ઠરાવ કર્યો. એક સરસ્વતીચંદ્રને તે શોધવાનો હતો તેમાં બીજો બાવો શોધવાનો થયો. વિધાતાની ગતિમાં આવાં વૈચિત્ર્ય જ છે.


પ્રકરણ ૧૮.
અલખ મન્મથ અને અલખ સપ્તપદી.[૧]
“ Fool, not to know that Love endures no tie,
“ And Jove but laughs at Lovers' perjury!"
Dryden.
“Let me not to the marriage of true minds
“Admit impediments.”-Shakespeare.

વિષ્ણુદાસના મઠથી અર્ધા કોશને છેટે વિવાહિત સાધુઓનો મઠ હતો, તે ગૃહસ્થમઠ ક્‌હેવાતો. તેની પાછળ તેટલેજ છેટે પરિવ્રાજિકામઠ હતો તેમાં અવિવાહિત અને વિધવા સાધુસ્ત્રીઓ ર્‌હેતી. પરિવ્રાજિકા-મઠની રચના વિષ્ણુદાસબાવાના મઠ જેવી હતી. ગૃહસ્થમઠ પણ ઘણી વાતમાં તેવોજ હતો, તેમાં


  1. ૧. લગ્નના મંગળ ફેરા અને સાત પગલાં ભરાય છે તે સપ્તપદી.