પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫


" मम व्रते ते हृदयं दधामि मम चित्तमनुचितं ते ऽस्तु ।
मम वाचमेकमना जुषस्व प्रजापतिष्ट्वा नियुनक्तुमह्यम् ॥

“જે કન્યાના હૃદયને વર આમ “આલંભન”કરે તે કન્યાનું વય પરિશીલન અને સંવનન યોગ્ય હોવું જોઈએ. તે પ્રતિજ્ઞા કરી કન્યા ક્‌હે કે આપણી પ્રીતિ થઈ ત્યારે વર ક્‌હે કે “ત્હારા હૃદયને મ્હેં આમ પ્રાપ્ત કર્યું છે તેવું નિત્ય હો !” પરિશીલન વિના આ કેમ થાય ? અથવા તો વધૂવર આમ બુદ્ધિપૂર્વક સત્ય ઉચ્ચારે તો તે જ પરિશીલક મદનની પરિપાકદશા. તે દશા પામ્યા વિને એ દશાના નામનો દમ્ભવિવાહ સંસારીઓ યોજે છે તેથી શુદ્ધ વિવાહ થતા નથી અને એવા વિવાહથી સંયોજિત સ્ત્રીપુરુષ દમ્પતી નથી. મધુરી, ત્હારા સાપ્તપદિક વિવાહ કાળે ત્હારી અશિક્ષિત બુદ્ધિની વઞ્ચના થઈ ગઈ એવા વિવાહથી યોજાયલો પુરુષ ત્હારો પતિ નથી. જેને તને ભગવાન્ કામદેવે અર્પી છે ને જેની સાથે ત્હારો મનઃસંયોગ થયો છે તેની સાથે ત્હારી અલખ પ્રીતિ થઈ છે, તેની સાથે ત્હારો અલખ વિવાહ થયો છે, ને તે જ ત્હારા હૃદયનો અને હૃદય સાથે શરીરનો અધિકૃત ધર્મ્ય પતિ છે, ત્હારા પિતાએ કરેલું કન્યાદાન તો કેવળ વંઞ્ચના છે.”

કુમુદ૦– અન્ય કન્યાઓને માટે તેમ હો, પણ મ્હેં તો મ્હારી પ્રતિજ્ઞાઓ બોધપૂર્વક સાંભળી છે ને સ્વીકારી છે.

મોહની – તેમ હો. તો ત્હેં બે જણને પ્રતિજ્ઞાઓ આપી ગણવી. મધુરી, હું તને ભ્રષ્ટ કરવાને મથતી નથી. હું તને શુદ્ધ કરવાને મથું છું. અમ અલખમાર્ગી સાધુજન અલખ વિવાહ કરીએ છીએ. અમારાં સૂક્ષ્મ અલખ શરીરના ચેતનનું વિવહન પ્રથમ થાય છે અને તેવા વિવાહ પછી સ્થૂલ શરીર સ્થૂલ પ્રીતિ કરે છે. અમારો પરિશીલક મદન અને બીજદશા સમાપ્ત થતાં આ સૂક્ષ્મ વિવાહ થાય છે, તે પછી અમારાં દમ્પતીઓનો અલખ જીવ અને સુક્ષ્મ દેહ અલખ ભોગ ભોગવે છે અને ફલમાં અલખ આભ્યાસિકી પ્રીતિને પામે છે. કર્મપરંપરારૂપ સાહચર્યજીવનને અભ્યાસ આ પ્રીતિને ઉત્પન્ન કરે છે અને એજ પ્રીતિથી પોષણ પામી નવા નવા અલખ કામભોગમાં પોષણ પામે છે. જ્યાં સુધી દમ્પતીનાં શરીર શીર્ણ થતાં નથી ત્યાં સુધી સ્થૂલ કામ પુત્રાયિત થઈ ર્‌હે છે, અને સુક્ષ્મ કામ દમ્પતીના સૂક્ષ્મ દેહોને સૂક્ષ્મ ભાગમાં પ્રવૃત્ત કરે છે. બેમાંથી એક સ્થૂલ દેહ શીર્ણ થતાં પુરુષ કિંવા સ્ત્રી સાધુજન એ શીર્ણ દેહને મરેલો ગણે છે પણ સૂક્ષ્મ દેહને અલખમાં લય પામી મુક્ત અને અમર થયો ગણે છે, અને એ અલખ દેહને પ્રત્યક્ષ ગણી સંસારી જનમાં વૈધવ્ય અને મૃતપત્નીક દશાનો મેહશોક થાય છે તે અમારે