પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫

ચન્દ્રિકાને ધન્ય છે. ચન્દ્રિકા દેખાતી નથી અને સમુદ્ર તો જાતે જ ઉછળ્યાં કરે છે.

વામની – ચન્દ્રિકાના યોગથી તે વધારે ઉછળશે.

કુમુદ – એ ચન્દ્રિકા ઉદય પામશે, અમારી ચન્દ્રિકા તો શિવજીના જટાજૂટમાં ડબાઈ ગઈ છે.

બંસરી – અલખ મદનની નટકળા એ સંતાયલી ચંદ્રિકા અને ગંભીર સમુદ્ર ઉભયને સર્વાવસ્થામાં વશ કરનારી છે; માટે મુગ્ધ મધુરી, એ નટકળા અમાવાસ્યાએ પણ સમુદ્ર પાસે પરોક્ષ ચન્દ્રિકાનું સ્મરણ કરાવે છે. ત્હારા હૃદયની ભીરુતા તને અવિશ્વાસથી કંપાવે છે. પણ તમારાં જેવાં હૃદય–યુગના યોગ મ્હેં ઘણા દીઠા છે.

કુમુદ – જેને નિરાશા જ પ્રિય છે તેને વિષરૂપ આશા આપવાનો પ્રયત્ન શા માટે માંડે છે ?

વામની – તું શું એમ સમજે છે કે નવીનચંદ્રના હૃદયમાંથી પારા પેઠે તું સરી ગઈ છે? મુગ્ધ મધુરી, મહં તમારું તારામૈત્રક સ્પષ્ટ દીઠું છે – જેવો ત્હારાં નેત્રમાં રાગ હતો તેવો જ તેનામાં હતો. શું તું એમ કહી શકે છે કે આ મ્હારું બોલવું અસત્ય છે?

કુમુદના હૃદયકીલ્લા ઉપર આ પ્રશ્રે સફળ છાપો માર્યો. તેને ગઈકાલનું ભાન આવ્યું, પોતાની અંતર્દશા અન્યજનને પારદર્શક થઈ લાગી, એ પ્રશ્નનો પ્રત્યુત્તર કરાયો નહી. તે ખિન્ન થઈ, લજજાવશ થઈ અને નીચું જોઈ રહી.

વામની – “શા માટે લજવાય છે? શા માટે કર્તવ્યસિદ્ધિમાં શંકિત ર્‌હે છે? અમે ત્હારું સખીકૃત્ય કરવા તૈયાર છીએ. અમે ત્હારું દૂતીકૃત્ય કરવા તૈયાર છીયે. ત્હારા ઇષ્ટજનના હૃદયવીશે તો રજ પણ શંકા રાખીશ નહીં. મ્હેં તેનાં નયન ધ્યાનથી જોયાં છે. આ ગિરિરાજઉપર ત્હારાં ચરણ ચ્હડતા જોઈ તેને નક્કી નવી આશા આવી છે તે મ્હેં જાણી. શાથી જાણી ? મ્હેં તે જનને જોયો તેથી જાણી. તેને કેવો જોયો ?

  • [૧]राधावदनविलोचनविकसितविविधविकारवुभंगम्
जलनिधिमिव विधुमंडलदर्शनतरलिततुङ्गतरङ्गम्

  1. *“ખળભળી ર્‌હે જ્યમ ઊર્મિ અનંકથી સાગર શશી ઝળકંતાં,
    ત્યમ પ્રિયવદનની અળપઝળપથીજ વિધવિધ ભાવ ભજતાં
    નીરખ્યા રસમય હરિને રતિ તલસંતા. ”
    ગીતગોવિન્દ (રા. કે. હ. ધ્રુવના ભાષાંતર) ઉપરથી.