પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧

“જેટલો આરોપ મુકો તે સત્ય છે, ઉચિત છે. મૈયા, હવે તો મ્હારે દુષ્યન્તનું સદ્ભાગ્ય હતું તેનો માત્ર એક અંશ માગવાનો બાકી રહ્યો –”

ચન્દ્રા૦- તે અંશ હું પ્રાપ્ત કરાવીશ.

સરસ્વતીચંદ્રે આ સાંભળ્યું નહી ને આગળ બોલતો ગયો.

૧.[૧]सुतनु हृदयात्प्रत्यादेशव्यलीकमपैतु ते
किमपि मनसः संमोहो मे तदा बलवानभूत् ।
प्रबलतमसामेयंप्रायाः शुभेषु हि वृत्तयः
स्रजमपि शिरस्यन्धः क्षिप्तां धुनोत्यहिशङ्कया ॥

“આ શબ્દો બોલી, શકુન્તલાને ચરણે પડી, દુષ્યન્તે ક્ષમા મેળવી. મૈયા, હું એવી ક્ષમા મેળવવાને ઇચ્છું છું, પણ તે ક્ષમાને માટે દુષ્યન્તની યોગ્યતા હતી એવી મ્હારી નથી. મને કોઈનો શાપ ન હતો, મ્હારા મનને ઇષ્ટ જનની વિસ્મૃતિ ન હતી, અને મ્હેં ફુલની માળાને સર્પ જાણી ફેંકી દીધી નથી. ઉભય હૃદયની પ્રીતિ જાણી, સર્વ વાત પ્રત્યક્ષ છતાં, કોમળ સુન્દર અને સુગન્ધ પુષ્પમાળાને, જાણી જોઈને ગ્રીષ્મમધ્યાન્હમાં સૂર્યના તડકાવચ્ચોવચ બળી જાય એમ, મુકી દીધી. ક્ષમા માગવાને પણ મ્હારો અધિકાર નથી, છતાં આ અધમ હૃદય ક્ષમાને ઇચ્છે છે. તે મળે એટલે સંસારમાં મને બીજી વાસના નથી.”

સરસ્વતીચંદ્ર દીન મુખે ટટાર થઈ બેઠો.

ચન્દ્રાવલી દયાર્દ્ર થઈ. તેનાં નેત્રમાં જળ આવ્યું: “નવીનચન્દ્રજી, મધુરીનો મધુર હૃદયસાગર ક્ષમાના તરંગોથી ઉભરાય છે ને ઉછળે છે અને તેથી જ એની પ્રીતિની શુદ્ધિનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. એ કોમળ હૃદયઉપર અમાવાસ્યાના અપ્રત્યક્ષ ચન્દ્રનો સંસ્કાર પણ બળ કરે છે ને બળના પ્રત્યેક હેલારાની સાથે અનેક તરંગ ઉભા થાય છે. નવીનચંદ્રજી, એ તરંગે તરંગે શોક અને ક્ષમાના આમળા વીંટાય છે. એ માટે તમે નિઃશંક ર્‍હો.”


  1. ૧.ઓ સુન્દર શરીરવાળી ! મ્હેં ત્હારો સ્વીકાર ન કર્યો તેના ડાઘ ત્હારા હૃદયમાંથી હવે દૂર જાવ ! તે પ્રસંગે મ્હારા મનમાં કોઈ બળવાન્ સંમોહ થયો હતો. જેની આશપાશ અંધકાર બળવાળો છે તેની વૃત્તિયો શુભ પદાર્થ પ્રતિ આવી જ થઈ જાય છે, અન્ધના શિર ઉપર પુષ્પની માળા નાંખો તો સાપ જાણીને તેને પણ તરછોડી ક્‌હાડી નાંખે. (શાકુન્તલ )