પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૦

ન્યાયે આ વસ્તુ કર્તવ્ય છે. ઈશરૂપ લક્ષ્યપરમાત્મા અનીશ જીવન ઉપર કૃપા કરી તેને પોતાના દૃષ્ટિપાતવડે પોતાનું સામ્ય આપે છે[૧] તે જ કૃપાને સ્થાને ઈશનું સામ્ય પામેલા જીવસ્ફુલિંગ અન્ય જીવપર પ્રીતિ રાખે છે અને પ્રીતિને બળે તેને પોતાનું સામ્ય આપે છે. એક તરુ ઉપર વળગેલા ઈશ અને અનીશની, તેમ અનીશ અને અનીશની, વચ્ચે આવાં નાડીચક્ર છે, સત્પુરુષોની ઊર્ધ્વ ગતિમાં અને અસત્પુરુષોની અધોગતિમાં આ ચક્ર, સાધનભૂત થાય છે. મ્હારી અને નવીનચંદ્રજીની વચ્ચે તેમ તેની અને સાધુજનોની વચ્ચે આવું નાડીચક્ર બંધાઈ ચુકયું છે, અને નવીનચંદ્રજી મ્હારી જોડે એક નાડીથી સંધાઈ ઊર્ધ્વગતિ પામે તો તે મ્હારો લક્ષ્યધર્મ છે. વિહારપુરી, નવીનચંદ્રજી જાગૃત અવસ્થામાં કે સ્વપ્નમાં આ નાડીસંયોગનું આકર્ષણ અનુભવશે અને તેથી ઉતરતે પ્રકારે, મધુરીમૈયા તેમની સાથે સત્ય નાડીબન્ધથી સંગત હશે તો, એ પણ આ આકર્ષણના હેલારા અનુભવશે. અન્ય વિરાગમૂલક સંપ્રદાયમાં લક્ષ્ય ધર્મનો અનાદર કરી અલક્ષ્ય સાધન શ્રેષ્ઠ ગણાય છે; પણ આપણામાં તો લક્ષ્યધર્મનો આદર કરીનેજ અલક્ષ્યાવગાહન થાય છે.”

[૨]लक्ष्यधर्मान समाद्दत्य लक्ष्यात्मा लक्षते स्वयम्
अल्क्ष्ये चावगाहेत सोऽयमात्मप्रबोधवान् ॥

એ મંત્રનું રહસ્ય તો આવા લક્ષ્યધર્મથી જ સધાય છે. પરસ્પરનું ઉદ્દબોધન કરવું એ આ ધર્મોમાં પરમધર્મ છે તે સાધવાનો વારો આજ મ્હારે શિર છે, કારણ ધારેલું કાર્ય મ્હારા વિના બીજાથી સાધ્ય નથી. બચ્ચા વિહારપુરી, જે સ્વરૂપે લક્ષ્યધર્મ વિહારમઠમાં શિષ્ટ છે અને જેનો ત્યાગ આપણે કરીયે છીયે તે ધર્મપ્રાપ્ત ત્યાગ ત્યાગકામી થઈને નથી કરતા, પણ એ ત્યાગ જાતેજ લક્ષ્યધર્મ થાય છે ત્યારે આપણે તેને સ્વીકારીયે છીએ. તો પછી નવીનચંદ્રજી જેવા સાધુજન પ્રતિ આવો સૂક્ષ્મ લક્ષ્યધર્મ પાળવો એ તો સર્વ સાધુજનોને અલક્ષ્યમાં અવગાહન કરાવવાનો માર્ગ જ ગણવો.


  1. ૧. ત્રીજો ભાગઃ પૃષ્ઠ ૧રપ.
  2. ૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૦૦ અને ૧૧૩-૧૧૪.