પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૪


હોય ત્યારે જ ભોક્તા થાય છે. આ વેદિ ઉપર ચ્હડયા વિના આ પશુ યજ્ઞબલિ પણ થઈ શકતું નથી. એ વેદી અને એ પશુને સુસમૃદ્ધ રાખવાં એ આ યજ્ઞનો પૂર્વ વિધિ છે અને હોમાદિ ઉત્તર વિધિ છે. પશુ વિષયે સૂત્રો છે કે [૧]रुद्राय महादेवाय जुष्टो वर्द्धस्वेति तं वध्धयेत संपन्नदन्तमृषमं वा ॥ પશુનો આ વર્ધનવિધિ આવશ્યક છે. સાધુજનોનાં સૂક્ષ્માદિ શરીર આ ત્રણે મઠોમાં આ વિધિપ્રમાણે પુષ્ટ, પવિત્ર અને, વર્ધમાન રાખવામાં આવે છે. તારામૈત્રક અને ગ્રહદશાના બળથી જે દમ્પતી ત્રસરેણુક અવસ્થા પામે છે તેમનાં સૂક્ષમ શરીર સૂક્ષ્મ અદ્વૈત પામી ત્રસરેણું થયલા સંવૃદ્ધપીન પશુનો યાગ કરે છે અને એ અદ્વૈતથી જ એ પશુ વર્દ્ધિત થઈ યાગયોગ્ય થાય છે. વિહારમઠનું શાસ્ત્ર આ વિધિને ઉદ્દેશીને જ રચેલું છે. જે સ્ત્રીપુરુષને આવો યોગ પ્રાપ્ત થતો નથી અને કુમારીના કંકણ પેઠે એકાકી નો વિહાર કરી શકે છે તેને ત્યાગધર્મ પ્રાપ્ત થાય છે અને બીજા બે મઠ તેને માટે છે. સ્થૂલ યજ્ઞોની વેદી અને પશુનો સંયોગ ઘણો મોડો મનુષ્યનો કર્યો થાય છે; પણ સૂક્ષ્મ શરીરનો અને સ્થૂલ શરીરનો સંયોગ સ્થૂલ શરીરના જન્મ સાથે લક્ષ્યપુરુષ જાતે જ રચે છે, અને એ સંયોગ રચાય છે ત્યારથી જ એ પશુ અને એ વેદીનો સંયોગ થાય છે. એ સંયોગ થયો કે એ પશુ ૫રમ લક્ષ્ય પુરુષની ઇચ્છાથી, કુટુમ્બાદિના પ્રયત્નથી, અને અન્ય નિમિત્તોથી, દિને દિને વધે છે, પુષ્ટ થાય છે, અને સંપૂર્ણ અથવા ન્યૂનાધિક કલાને પામે છે. એ પશુના આ પોષણાદિમાં સાધનભૂત થવું એ સાધુજનો પોતાનો પ્રથમ ધર્મ અને સર્વ યજ્ઞોનો આવશ્યક વિધિ ગણે છે. જેવી રીતે આ પશુની વૃદ્ધિ વિહિત છે તેવી જ રીતે યજ્ઞસામગ્રીનો અને પશુનો દિવસે દિવસે વધતો ભાર ઝીલવાને તેમ ચિરંજીવ અગ્નિનો સતત તાપ વેઠવાને માટે આ યજ્ઞની વેદીને પણ સમર્થ કરવામાં આવે છે. સ્થૂલ અને સૂક્ષ્મ શરીરનાં પોષણાદિને માટે આ મઠોમાં જે વ્યવસ્થા છે તેનું આવું કારણ છે, અને એ વ્યવસ્થાને અંગે આવશ્યક ન હોય એવો કોઈપણ ભોગ ઇચ્છવો તે સાધુઓમાં અધર્મ્ય અને કામરૂપ મનાય છે અને તેને દૂર રાખવામાં આવે છે."


  1. ૧. "રૂદ્ર મહાદેવની તૃપ્તિ માટે બોટાયલો તું વૃદ્ધિ પામ ! – એમ કહી તેનેદાંત આવે અથવા પુત્રોત્પાદન યોગ્ય વયનો તે થાય ત્યાં સુધી તેનું વર્ધનક૨વું: ” આશ્વલાયનીય ગૄહ્ય સૂત્ર.