પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૨


“આ વિના બીજો ભૂતયજ્ઞ વ્યવહારયજ્ઞ છે, સર્વ યજ્ઞના સાધન માટે થોડી ઘણી પ્રવૃત્તિમાં સર્વ મનુષ્યોએ સ્થૂલ સૂક્ષ્મ શરીરનો વ્યય કરવો પડે છે અથવા એ શરીરના વ્યય વડે સંપાદિત કરેલાં ધન આદિ સાધનનો વ્યય કરવો પડે છે. પૃથ્વી પાસેથી અન્ન માગતાં, સેવક પાસેથી સેવા માગતાં, સેવ્યજન પાસેથી વેતન [૧] માગતાં, અશ્વ પાસેથી રથસેવા માગતાં, એ સર્વ યાચનાઓના બદલામાં પ્રવૃત્તિ કે વ્યય કરવો પડે છે, અને જો કાઈ યજ્ઞને માટે જ આ પ્રવૃત્તિ ને વ્યય હોય તો તે જાતે જ યજ્ઞરૂપ થાય છે. એ યજ્ઞ ફલાપેક્ષી હોય છે માટે તે સકામયજ્ઞ અથવા વ્યવહારયજ્ઞ ક્‌હેવાય છે એ યજ્ઞમાં જડચેતન સર્વ ભૂતોની સાથે વ્યવહાર થાય છે માટે તેને ભૂતયજ્ઞ કહ્યો છે. સંસારીયો સકામ યજ્ઞ કરે છે તેમના તો સર્વ યજ્ઞ એક રીતે વ્યવહારયજ્ઞ જ છે.”

“લક્ષ્ય પુરુષના ચિદંશ વિનાના અસ્તિત્વવત્ અંશ છે તે જડભૂતોમાં છે. જન્તુઓમાં પણ આ જડ અંશ છે. મનુષ્યમાં પણ છે. બુદ્ધિમાં પણ છે અને અંતઃકરણમાં પણ છે. તે સૃષ્ટિ ઉપર દૃષ્ટિ નાંખ્યાથી, તેનાં અવલોકન અને પ્રયોગ કર્યાથી, તેનાં ગુણશક્તિ શોધ્યાથી, તેનું શાસ્ત્ર બાંધ્યાથી, સર્વ સૃષ્ટિ સાથેનો તેનો સંબંધ જાણ્યાથી, અને સંક્ષેપમાં જીવસ્ફૂલિંગના ચિત્સ્વરૂપનો પ્રકાશ આ સૃષ્ટિ ઉપર પડે છે ત્યારે, તેના સત્વાંશમાં ચિદંશનાં કિરણ પડે છે, તે પદાર્થો મહાયજ્ઞમાં હોમાય છે, અને યજ્ઞરૂપે તેમનો ઉદ્ધાર થાય છે. આ યજ્ઞનું નામ વિદ્યાયજ્ઞ છે, તે અનંત છે, અને તેની મર્યાદા નથી. એ યજ્ઞ પણ ભૂતયજ્ઞ જ છે, વિદ્વાનો, શાસ્ત્રીઓ, દશનદ્રષ્ટાઓ, અને કવિજનોને આ મહાયજ્ઞ ઉપર કલ્યાણકારક પક્ષપાત છે. જે વિશ્વરૂપનાં દર્શન ઋતંભરા પ્રજ્ઞાવાળા યોગી મહાપ્રયત્ને પામી શકે છે તે દર્શનનાં વિદ્યુત્ જેવા ચમકારા વિદ્યાયજ્ઞના સાધકો પ્રત્યક્ષ કરે છે. મઠયજ્ઞની સાધના અન્ય સર્વે યજ્ઞોની સાધના માટે સાધનરૂપ છે અને સાધુજનોની સાધુતાના રક્ષણને માટે અને સંસારના સંસર્ગથી તેમને દૂર રાખવાને માટે આવશ્યક છે. મનુષ્યલોકમાં સૂક્ષ્મ શરીરની શ્રેષ્ઠતા સ્વીકારાય છે તે છતાં જીવતો નર ભદ્રા પામશે ક્‌હેવાય છે અને સૂક્ષ્મ શરીરના સર્વ પુરુષાર્થને પડતા મુકી. સ્થૂલ શરીરના આયુષ્યનું રક્ષણ કરવામાં આવે છે અને ક્‌હેવામાં આવે છે કે–


  1. ૧. ૫ગા૨.