પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૦


હતા ત્યાં માત્ર પૃથ્વી, વૃક્ષો, લતાઓ, શિલાઓ, ઝરા, અને પક્ષીયો ગમભીરતાની સર્વવ્યાપિની એકાકાર છાયારૂપે રહ્યાં.


પ્રકરણ ૨૬.
ચિરંજીવશુંગનાં શિખર ઉપર ચન્દ્રોદય.

ચિરંજીવશૃંગ સુન્દરગિરિના સર્વ શૃંગોમાં ઉંચામાં ઉંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. છતાં યદુશૃંગ અને ચિરંજીવશૃંગ વચ્ચે ઉંચાનીચા ખડકોમાં, ખીણોમાં, અને ઝાડો ને તાડોનાં જંગલોમાં, થઈને જવાનો બે કલાકનો માર્ગ હતો; એ શૃંગના શિખર ઉપર એક મહાન્ ગોળ કીલ્લા જેવી પણ સ્વાભાવિક ખડકની ભીંત હતી, અને એ ગાળ ભીંતની વચ્ચે પ્‌હાડના પથરાઓમાં મ્હોટી મ્હોટી ગુફાઓ હતી, આમાંની કેટલીક ગુફાઓ સ્વાભાવિક હતી અને કેટલીક મનુષ્યની કારીગરીએ કોતરી ક્‌હાડી હતી. આવી આશરે પચાશ પોણેાસો ગુફાઓ હશે. તેની વચ્ચે એક નિર્મળ અને મીઠા પાણીનો સાંકડો ઝરો વરસાદના આધાર વિના બારેમાસ ર્‌હેતો. અને તેની આશપાસ ઉંચા પથરા આવેલા હોવાથી તેમાં સૂર્યનો પ્રકાશ જતો, પણ તડકો તો ખરા મધ્યાન્હે પણ જઈ શકતો ન હતો. એ ઝરો દશ પંદર ગુફાઓની વચ્ચે થઈને વ્હેતો, એક બે ગુફાઓની તો પ્રદક્ષિણા જ કરતો, અને તે છતાં તે કંઈક એવી રીતે આવેલો હતો કે એની એકપાસની ગુફાની એમાં બારી પડતી હોય તો બીજી પાસની ગુફાની પછીત પડે. કેટલીક ગુફાઓની તળે થઈને અને કોઈની વચ્ચે થઈને પણ વ્હેતો હતો.

સર્વ ગુફાઓમાં મ્હોટી ગુફાના ઉપર તો બે માળ હતા અને તેના ઉપર અગાશી હતી. એ અગાશી જાડા પાકા કાળા પત્થરની હતી અને ત્યાંથી આ શૃંગની અને પર્વતની ચારે પાસ દૃષ્ટિ જતી હતી. એની નીચેનો માળ પત્થરના જાડા જાડા થાંભલા ઉપર હતો અને થાંભલાઓની વચલો ભાગ ઉઘાડો, જ હતો પણ ચિરંજીવશૃંગના કીલ્લા કરતાં ઉંચો ન હતો. આ માળના થાંભલાઓમાં બૌદ્ધકાળના કેટલાક બનાવોનાં ચિત્ર કોતરેલાં હતાં. તેની નીચેના માળને એક પાસ ભીંત હતી અને ત્રણ પાસ થાંભલા હતા. એ ભીંતે પાંચ યોગારૂઢ પણ ધનુષ્યબાણધારી પુરુષોની મૂર્તિઓ હતી. તેને કોઈક પાંડવોની મૂર્તિઓમાં લેખતા અને કોઈકના મત પ્રમાણે અશોક મહારાજના