પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૮


સર૦- “તમને એ અધિકાર નહી આપું બીજા કેાને આપીશ ? મને મ્હારા સ્વાર્થને તો શું પણ મ્હારા ધર્મનો પણ બાધ તમને સુખી કરવામાં અંતરાયરૂપ થાય તો હું તેને ન ગણવાને તત્પર છું.

[૧] धर्मात्ययो मे यदि कश्चिदेवम्
जनापवादः सुखविप्लवो वा ।
प्रत्युद्गमिष्याम्युरसा तु तत्तत्
त्वत्सौख्यलब्धेन मनःसुखेन ॥

“મધુરી ! 'મધુરી' શબ્દથી મોહ કાલ થતો હોય તો આજ થાય, પણ તે નામથી જ અથવા જે કંઈ અન્ય પ્રવૃત્તિથી કે નિવૃત્તિથી તમને જે શાન્તિ થાય તેનાથી તે આપવી એ મ્હારી વાસના છે. મ્હારું સર્વસ્વ જે કાંઈ હોય તેના હવન[૨]થી પણ તમને સુખ મળે તે એજ મ્હારું સુખ છે. માટે મ્હારું સુખ સાધવાની તમારી વાસનાની તૃપ્તિ તમે પોતાની જાતને સુખી કરશો તેથી જ થશે.”

કુમુદ૦- ભલે. પણ તમે મ્હારું સુખ ઇચ્છો છો કે મ્હારું કલ્યાણ ઇચ્છો છો

સર૦- તમને સુખની ઇચ્છા હોય તો તમારું સુખ ઇચ્છું છું અને તમને કલ્યાણની ઇચ્છા હોય તો કલ્યાણ ઇચ્છું છું.

કુમુદ૦- તમારે પોતાને માટે શું ઇચ્છો છો?

સર૦- મ્હારે તો સુખ પણ નથી જોઈતું ને કલ્યાણ પણ નથી જોઈતું. મને તો શાન્તિ મળે અને મ્હારા ધર્મમાં ન ચુકું એટલું જ જોઈએ.

કુમુદ૦– તમે શાંતિમાં સુખ માનો છે ને ધર્મમાં કલ્યાણ માનો છો? ને તે બેને ઇચ્છો છો ?

સર૦- માનું છું તો તમે ક્‌હો છો તે જ. બાકી જ્યાં સુધી ધર્મથી શાંતિ ન મળે ત્યાં સુધી શાંતિને પણ અધર્મરૂપ ગણી તેને ઇચ્છતો નથી.

કુમુદ૦- એ શાંતિએ ધર્મરૂપ ક્યારે ગણશો?

સર૦- તમને શાંત અને તૃપ્ત જોઈશ ત્યારે.

કુમુદ૦- તમારો ધર્મ કીયો ?


  1. ૧ ( એક પ્રધાને પોતાના રાજાને ક્‌હેલું વચન) जातकमाला અથવાबोधिसत्वावदानमाला Edited by C. R.Lanman, Harvard Oriental Series.
  2. ૨. હોમ.