પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૭


કુમુદ૦– જે ક્‌લેશને શમવિડમ્બના ક્‌હો છો તેનું શું આપે જાણી જોઈને સહન નથી કર્યું ? જો કર્યું છે તો તે ધર્મ ધારીને કે અધર્મ ધારીને કર્યું છે ? તેમાં ધર્મ હોય તો કીયો છે?

સર૦– એ ક્‌લેશ મ્હેં અનુભવ્યો છે ને જાણી જોઈને ધર્મ ગણીને વેઠેલો છે. મારા યજ્ઞને તે ક્‌લેશ પ્રતિકૂળ નથી પણ એ ક્‌લેશનો અનારંભ પ્રતિકૂળ છે, અને માટેજ એ ક્‌લેશ મ્હારે ધર્મરૂપ છે.

કુમદ૦– એ છેલી કહી તે પ્રતિકૂળતા કેઈ પાસની છે?

સર૦– શુદ્ધ અપ્રતિહત દમ્પતીધર્મમાં પણ કામાદિનો એકને આદર હોય ને બીજાને અનાદર હોય તો તેની તૃપ્તિ આદરવાળા અંગે શોધવી અધર્મ છે; અને આદરવાળાના આદરને અનાદ્દત જન પ્રતિકૂળ થાય તો તે એ અનાદરવાળા અંગનો અધર્મ છે.

કુમુદ૦– ધર્મ બેનો એક હોય, એકનો ધર્મ તે બીજાનો અધર્મ કેવી રીતે થાય?

સર૦– દરિદ્ર યજમાનને ઘેર પૂજ્ય અતિથિ આવે ત્યારે દરિદ્રતા છતાં યજમાન આદર કરે તે જ તેનો ધર્મ, અને એ દરિદ્રતામાં ઉમેરો થવા દેઈ અતિથિ એ આદરનો સ્વીકાર કરે તો તે એ અતિથિનો અધર્મ.

કુમુદ૦- એક પાસ આદર અને બીજી પાસ અનાદર હોય તો રસભંગ[૧] તો થાય જ, પણ દયાળુ યજમાનનો ધર્મ તે અતિથિનો અધર્મ સંભવી શકે એવી સૂક્ષ્મ વ્યવસ્થાનો પ્રસંગ આજ જ જાણ્યો.

સર૦– રસભંગ થાય તે જડતાથી અને ધર્મભંગ થાય તે દુષ્ટતાથી.

કુમુદ૦- સત્ય છે. આપ શુદ્ધ ધર્મ ને શ્રેષ્ઠ રસના માર્ગના પ્રાજ્ઞ છો. મારું હૃદય આજ અપૂર્વ શાન્તિ અનુભવે છે અને મ્હારી વાસનામાત્ર તૃપ્ત થઈ લાગે છે. હવે માત્ર મ્હારો ધર્મ શો તે વિચારવાનો ધર્મ પણ આપે મ્હારે શિર મુક્યો તેટલું બાકી.

સર૦- હૃદય હૃદયની દૃષ્ટિ ભિન્ન હોય છે, શક્તિ ભિન્ન હોય છે, અને પોતપોતાની દૃષ્ટિનું ને વૃત્તિનું સંવેદન[૨] તો સર્વ જાતે જ કરી શકે છે માટે આ વ્યવસ્થા તમને દર્શાવી છે.


  1. १.अनातुरोत्कण्ठितयो: प्रसिध्यता समागमेनापि रतिर्न मां प्रति ॥ કાલિદાસ.
  2. ર. 'સંવેદન' શબ્દમાં intuitive perception તેમ instinctive impulse એ બે અર્થના ધ્વનિ છે.