પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

પરદેશના, પ્રાચીન તથા અર્વાચીન, સમર્થ રાજપુરુષોનાં ચરિત્ર, તેમના લેખો, તેમનાં ભાષણો વગેરે વિષયોનાં પુસ્તકો સંગ્રહેલાં હતાં. એક કબાટમાં ઈંગ્રેજ રાજપુરુષો, તો બીજામાં જર્મન, અને ત્રીજામાં અમેરિકન, એમ અનેક દેશના રાજપુરૂષોનાં પરિપકવ થયેલાં અનુભવ–પ્રદર્શન આ ખંડમાં આવનાર પ્રાજ્ઞની દૃષ્ટિને ચમકાવતાં હતાં.

આ સર્વની મધ્યે એક અર્ધ ભાગે સુંદર કોચ અને ખુરસીઓ વડે સભામંડપ રચ્યો હતો, અને બીજા અર્ધ ભાગે યુરોપ, અમેરિકા, હીંદ વગેરે સર્વ દેશનાં મુખ્ય તાજાં વર્તમાનપત્રો તથા ચોપાનીયાં ટેબલ ઉપર પાથરેલાં હતાં.

મણિરાજની અને તેના પ્રતિષ્ઠિત અતિથિની વાટ જોઈ આમંત્રેલા રત્નનગરીના અધિકારીઓ આ ભવનમાં ભરાતા હતા. અને તેનાં અનેક પ્રદર્શનો ઉપર દૃષ્ટિ ફેરવતા ફરતા હતા, અને તેનો ઉપયોગ કરતા હતા.

એક ટેબલ આગળ શંકરશર્મા, ચંદ્રકાંત અને વીરરાવને લેઈ બેઠો હતો અને વાર્તાવિનોદ કરતો હતો.

ચંદ્રકાંત:“શો ઉત્તમ પુસ્તકોને સંગ્રહ ! જે રાજા આ પુસ્તકોદ્યાનમાં માત્ર આવી, એ ઉદ્યાનનાં ફુલોની વાસના જ લેઈ ચાલ્યો જાય તે તેટલાથી જ ચતુર થઈ જાય !”

વીરરાવ હસ્યો:, “છટ ! આ તો માત્ર દેખાવ કરવાની વાત છે – દંભ છે! બાકી તો રજવાડો સર્વ અંદરથી સળેલો ! All is rotten at the core in these states ! Don't believe in this show like a simpleton !”

આ કઠોર વચન સાંભળી શંકરશર્મા ચમક્યો. પ્રવીણદાસ છાનોમાનો પાછળ ઉભો હતો તેણે તેના સામું જોઈ નાકે આંગળી ધરી. બીજા સર્વ આશપાશ ભરાઈ ગયા. એવાં વાક્યોના પરિચિત ચંદ્રકાંતને પણ આ સ્થાને અને આ કાળે – મણિરાજના ભવનમાં – તેનો સત્કાર સ્વીકારવાને પ્રસંગે – વીરરાવનાં વચન અકૃતજ્ઞ અને અસ્થાને લાગ્યાં અને બોલી ઉઠ્યો.

“મિસ્ટર ધમ્પાટે ! તમારો વિચાર ખરો હોય તો પણ તેનો ઉચ્ચાર અસ્થાને છે ?”

વીર૦ – “એ માખણ તમને સોપ્યું. અમારે તો વિચાર તે ઉચ્ચાર. You see I do not care a fig for these foolish and dishonest