પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૦

શાંતિ વળવા લાગી. બે જણ સાથે સાથે બેાલ્યા ચાલ્યા વિના લ્હેરો ભોગવતાં બેઠાં, થોડીક વાર પછી સરસ્વતીચંદ્રે કુમુદને ખભે હાથ મુકી કહ્યું.

“કુમુદ, આ આપણી પાસેની માટી હાલે છે ?”

“હા.”

બે જણ ઉભાં થયાં, થોડી વારમાં હાલતી માટીમાં પાવડે હાલતો જણાયો, ને એક મ્હોટા કોતર જેવું છિદ્ર પડ્યું. તેમાં કેટલાક જન્તુઓ દેખાયા. તેમની આશપાશ નાગલોકવાળા પ્રકાશસ્તમ્ભનો અમ્બાર જળહળી રહ્યો ને જન્તુઓમાંથી કેટલાંકની છબીઓ તો કેટલાંકનાં સ્વરૂપ સરસ્વતીચંદ્રને ઓળખીતાં લાગ્યાં.

“કુમુદા કુમુદ ! આ તો આપણા સુધારાવાળા મિત્રોનું પ્રતિબિમ્બ છે. જો ! જો ! આ માટીને શુદ્ધ કરવાને, આ માટીમાંના કૃમિગણને સચેતન કરવાને, આ ચેતન જન્તુઓ કેવો સુન્દર પ્રયત્ન કરે છે ? – અરે પણ માટી તો છે ત્યાંની ત્યાં ને તેવી ને તેવી જ રહે છે.... આ જન્તુઓનો પ્રયત્નો નિષ્ફળ થાય છે, તમોગુણનો વિકાસ ઘટતો નથી, ને કંઈક વિચિત્ર કોલાહલ કાને આવે છે.”

કુમુદ૦- જુવો, જુવો, તેમનાં આયુષ્ય પાણીના રેલા પેઠે માટીમાં લીન થાય છે ને માટીથી અચેતન રત્નો લીંપાઈ જાય તેવી આમની દશા થાય છે. આપણે એમને માટે શું કરીયે ?

સર૦– આ તો આપણે માત્ર પ્રતિબિમ્બ જોઈએ છીએ. પ્રતિબિમ્બ ઉપર દયા નિરર્થક છે, પણ પેલો કોલાહલ વધે છે. આ રત્ન જેવા જન્તુઓની આશપાશ કોઈક સ્થાને માટી તો કોઈક સ્થાને વિષજ્વાલાઓ ફરી વળે છે.

કુમુદ૦– એ તો સમજાયું. આ જન્તુઓને જરાક સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. તેમને મુખ ને જિવ્હા પૂર્ણ છે પણ કાકદૃષ્ટિ પેઠે બે આંખો વચ્ચે કીકી[૧] એકજ છે. આ રાફડા ઉપરના આકાશમાં કપિલેાક દિવ્યઐાષધિયો લેઈ વાદળાં પેઠે આવજા કરે છે તેમાંથી સરી આવતાં પરાગ એ કીકીયોમાં ભરાય છે ને તે પરાગનાં પડ આ જન્તુઓની એકની એક કીકીયો ઉપર બંધાય છે એટલે એમને દૃષ્ટિવિકાર થાય છે. ઓ મ્હારા વ્હાલા ! આ રત્ન જેવાં જન્તુઓની આંખોનાં પડ દૂર કરો ને એમને બીજી કીકીયે પણ પ્રાપ્ત કરાવો.


  1. *एकैव दृष्टि: काकस्य એવો પ્રાચીન મત છે. તે પ્રમાણે કાગડાની એકજ કીકી ઘડીકમાં એક આંખમાં જાય ને ઘડીકમાં બીજીમાં આવે.