પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૩


સર૦– કેટલીક લાલસાઓ મૌનથી પણ તૃપ્ત કરાય છે. બે પ્રવાસીઓ જંગલમાં પ્રવાસે સાથે સાથે નીકળે. તેમને સામે ચોર મળે ત્યારે બેયે પ્રવાસીયોને ભય લાગે. એ ભયની વાત એક પ્રવાસી બીજાને કરે, ત્યારે આ બીજાનામાં ભય ન હોય તો ઉત્પન્ન થાય, અને બીજાને ભય થયું હોય તો તેનું ગુપ્ત ભય, આવા સાથીને પણ ભય લાગતું જાણી, વધે. પરસ્પરનાં હૃદય ઉઘડવાથી આ બે જણનું ભય વધે અને ઉભયનાં મન નિર્બળ થાય. તેને સટે આ બે જણ પોતપોતાનું ભય પોતાના મનમાં રાખે ને બ્હારથી હીમત દેખાડે તો એ બીજાને હીમત આવે અને તેમ કરતાં પ્હેલાને પણ હીમત આવે – મૌનથી જેમ આ બે જણ બેના હૃદયનું ભય નષ્ટ કરે છે, તેમ સ્ત્રીપુરુષ પોતપોતાની લાલસાઓને પોતાના હૃદય૫ટમાં ગુપ્ત રાખે ને હૃદયના એટલા ભાગને ઉઘાડે નહી તે ઉભયની લાલસાઓ, તેલ વગરના દીવા પેઠે, ધીમે ધીમે જાતે જ ક્ષીણ થઈ જાય છે.

કુમુદ૦- લાલસા, તૃપ્ત થવાની અનુકૂળતાના ભાનથી જ, વધે છે.

સર૦- એ ભાન ભયંકર છે ખરું.

કુમુદ૦- પ્રારબ્ધયોગે તે ભય પ્રાપ્ત થાય તો શો ઉપાય ?

સર૦– એક પ્રારબ્ધયોગનો પ્રતીકાર બીજા પ્રારબ્ધ યોગથી જ બની શકે - ઈશ્વરની કૃપાથી જ થાય - મનુષ્યનો અહંકાર આવા વિષયમાં વૃથા દમ્ભ જ સમજવો.

કુમુદ૦- એ તે સત્ય જ છે. પણ આવે પ્રસંગે મનુષ્યના હાથમાં યથાશક્તિ વાપરવાનું શસ્ત્ર કયું ?

સર૦- વિષયની વિસ્મૃતિ, સંકલ્પનો સંકોચ, સદ્વિચારનો ઉદય, અને નિશ્ચયની સ્મૃતિ - એટલી સંપત્તિથી મનની લાલસા હઠે છે તો ખરી, બાકી તેના નાશનો ઉપાય તો સૂક્ષ્મ શરીરની સંપૂર્ણ સંસિદ્ધિ જ છે.

કુમુદ૦- જેમ લાલસા એકદમ સળગી ઉઠે છે તેમ એકદમ શાંત પણ થતી નહી હોય ?

સર૦- પવન અગ્નિના ભડકાને વધારે છે તેમ હોલવી પણ નાંખે છે. જેને ઇષ્ટ ગણી લાલસા રાખીયે છીયે તેમાં કોઈ વિચિત્ર દોષનું નવું અણધાર્યું દર્શન એ લાલસાની વાન્તિ કરાવી દે છે. તે જ રીતે વિવેકની વિસ્મૃતિથી જ્ઞાનીને મોહ થયો હોય તો તે વિવેકની જ સ્મૃતિના ચમકારાની સાથે એ મોહ ઉતરી જાય છે.

કુમુદ૦- આ વાસનાનું જાળ ઈશ્વરે શા માટે પ્રવર્તાવ્યું હશે? એ જાળ