પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૪

તું નિવૃત્તિ પામ. મધુરીમૈયા, ત્હારી બુદ્ધિ કલ્યાણી છે તે સુખના કરતાં મ્હોટા સત્પદાર્થોનો તને યોગ કરાવશે અને તમારી અલખ પ્રીતિમાં અનેક કલ્યાણ-સમૃદ્ધિને ભરશે. સાધુજનોએ ત્હારી ચિકિત્સા કરી ને ઐાષધવિધિ દર્શાવ્યો તે ઉભયની સફલતા થવા માંડી છે ને તેના પરિણામમાં તું શુદ્ધ, શાંત, અને કલ્યાણપાત્ર થઈશ તેટલું ફળ અમારી ક્ષુદ્ર શક્તિઓને માટે ન્હાનું સુનું નથી. સાધુજનો, આ મંગળ દિવસને યોગ્ય મંગળ કાર્ય કરવાનો આરંભ કરો અને ચન્દ્રાવલીમૈયાને એ સમાચાર તરત ગુપ્તપણે ક્‌હાવો.

આ મંડળી આમ વાતો કરતી કરતી બહાર સ્નાનાદિક આહ્‌નિકને માટે ગઈ ને છેક મધ્યાહ્‌ને પાછી આવી.

આણી પાસ કુમુદ ગયા પછી સરસ્વતીચંદ્ર પણ નીચે ઉતર્યો ને સાધુજનોને મળી પોતાનું આહ્‌નિક કરી તરત ઉપર આવ્યો, ને કુમુદસુન્દરી પાછી આવી ત્યાં સુધી સાધુજનોએ આપેલા એક મ્હોટા કોરા પુસ્તકમાં પોતે રાત્રિયે દીઠેલાં વિચિત્ર સ્વપ્નની કથા ઉતારી. જે સ્વપ્ન લાગતાં કલાક બે કલાક થયા હશે તેની કથા ઉતારતાં ચાર કલાક થયા. તે લેખ પુરો કરી, ફરી ફરી વાંચી, તેનો વિચાર કરતો ઓટલા ઉપર બેઠો ને આશપાશનો દેખાવ જોવા લાગ્યો. જોતે જોતે વચ્ચે વચ્ચે પોતાનું પોટકું ઉધાડી ચંદ્રકાન્તના પત્રો પણ વાંચતો હતો. ઘણો કાળ એમ ગયો ત્યાં કુમુદસુન્દરી પાછી આવી ને કાગળોના પોટકાની બીજી પાસે બેઠી.

સર૦– તમે આજ કેવી રીતે કાળક્ષેપ કર્યો ?

કુમુદ૦– સાધુજનોના આહ્‌નિકને આટોપી આ ફલાહાર લેઈ આવી એ જ.

પોતાના પાલવ તળેની થાળી ઉઘાડી, કાગળો વચ્ચે માર્ગ કરી, ત્યાં થાળી મુકી, અને બીજો ફેરો ખાઈ આવી એક સ્વચ્છ શુદ્ધ દુધનો કલશ લેઈ આવી.

કુમુદ૦– આ શો સમારમ્ભ છે ?

સર૦- આજ મને વિચિત્ર બોધક સ્વપ્ન થયું હતું તે આ પુસ્તકમાં લખી ક્‌હાડયું છે.

કુમુદ એ વાંચવામાં લીન થઈ. સરસ્વતીચંદ્ર એના મુખ સામું જોઈ રહ્યો અને સર્વ સુન્દર અવયવો જોવામાં લીન થયો. થોડુંક વાંચી વિચારમાં પડી કુમુદ અટકી અને સરસ્વતીચંદ્રના નેત્રના