પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૫

વ્યાપારને જોઈ રહી, પણ તેનું સરસ્વતીચંદ્રને ભાન ન હતું. અંતે એને જગાડતી હોય તેમ સ્મિત કરી કુમુદ બોલી.

“સ્થૂલ કામ ને સૂક્ષ્મ કામ વચ્ચેની ભીંત કીલ્લા જેવી છે પણ એકમાંથી બીજામાં ચોરી કરી નીકળી પડવાનાં દ્વાર બહુ છે.”

સરસ્વતીચંદ્ર સાવધાન થયો.

“સત્ય છે. તરવારની ધાર ઉપર ચાલવું ને તરવાર પગમાં પેંસી જાય નહી એવી સંભાળ રાખવા જેવું આ અસિધારાવ્રત છે.”

કુમુદ૦– એમ જ છે. નિત્ય જોઈએ છીયે એવાં શરીરમાં આવી અને આટલી બધી મોહની કયાં ભરી રાખી હશે કે તેને હડસેલી ધક્‌કા મારવા છતાં પણ ખસતી નથી ને માત્ર ખસેડવા માટે આટલા પ્રયાસ કરવા પડે છે ? . સર૦- આપણે જે સત્ત્વને ખસેડવાને આટલો પ્રયાસ કરવો પડે છે તે જ સત્ત્વનું અભિનન્દન કરવું એ બીજાનો ધર્મ થાય છે ને તેમણે ક્‌હેવું પડે છે કે Resist not the weakness![૧] અલખના સાધુજનો આનો વિવેક સારો સમજે છે. કુમુદસુન્દરી, અભ્યાસથી અને અવધાનથી આપણે આ કષ્ટસાગરને તરી જઈશું.'

કુમુદ૦- લગ્ન કાળે કરેલી પ્રતિજ્ઞા ન તોડવાની પ્રતિજ્ઞાને પ્રાત:કાળે દયાએ ભુલાવી હતી. તમારી પાસે કરેલી પ્રતિજ્ઞાને ભુલું એમ નથી.

સર૦– તમે આ વાંચ્યું ?

કુમુદ૦- વિચાર કરું છું કે વાંચુ કે ન વાંચું?

સર૦– વાંચવામાં કંઈ બાધ છે?

કુમુદ૦– મને પણ આજ મહાસ્વ્પ્ન થયું હતું તેનોજ આ ઈતિહાસ આપે જાણ્યે લખ્યો હોય એમ છે. ને એમાં પણ મોહક ભાગ છે તે સ્વપ્નસ્થ મટી જાગૃતસ્થ થાય તો આ પ્રતિજ્ઞા તુટે.

સર૦- શું તમને પણ આવું સ્વપ્ન થયું હતું ? તેમાં ને આમ કંઈ ફેર નથી ?

કુમુદ૦- કંઈ ફેર નથી. માત્ર આમાં આપની સહચારિણી કોણ હતી તે આપે લખ્યું નથી તે ઠેકાણે મ્હારું નામ લખ્યું હત તે બરોબર મ્હારું જ સ્વપ્ન પૂર્ણ થાત.


  1. ૧ Shelley.