પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૨


વાનર૦– અમે શો અધર્મ કર્યો ! અર્જુનના રથને દેશે દેશ ખેંચવો એ અમારો ધર્મ છે ને જે લોક એ રથનાં સૂત્ર જાતે ઝાલતા નથી તેને અમે લલચાવી, બ્હીવડાવી, નખ ભરી, એ સૂત્ર ઝાલતાં શીખવીયે છીયે. આમાં અમે અધર્મ જોતા નથી. તમે તમારા દેશમાં જ અર્જુનની ક્રિયાઓ જુવો. અનેક રાજાઓને અને રાજ્યોને, અનેક ભૂતોને અને સત્ત્વોને, વશ કરવામાં તમારા અર્જુને જો અધર્મ કર્યો હોય તો અમે તે કરીયે છીએ ને તેનો માર્ગ જો ધર્મનો હોય તો અમારો પણ ધર્મનો છે. મૂર્ખ પોપટ ! જો અર્જુનનો રથ અમે ખેંચીયે છીયે તો અર્જુન ત્હારા જ દેશમાં જન્મેલો છે ને ત્હારો દેશ ભ્રષ્ટ થયો એટલે અર્જુને એનો ત્યાગ કર્યો. એ અર્જુને જ અમારા લોકને પોતાના અધિકારી ગણ્યા છે. તેની નીતિ ને ક્રિયા ત્હારા દેશમાં બીજરૂપે હતી તેને અમારા લોકની બુદ્ધિએ વૃક્ષનું રૂપ આપ્યું છે, ને તેનાં ફલ-પુષ્પનો ત્હારા દેશને પણ સ્વાદ અમારો આપ્યો પડવા લાગ્યો છે. છતાં ત્હારા રાફડાએામાં આ વાયુરથનાં લંગર નાંખવા જેટલી ખીલી તેમાં ઠોકીયે તેટલામાં ત્હારો દેશ રોકુટ કરવા બેસે છે તે ત્હારા દેશના માનેલા ધર્મ તે ધર્મ કે અમારા ધર્મ તે ધર્મ તેનો વિચાર તારા દેશના ચિરંજીવોને પુછી જોજે.

સર૦– કપિરાજ, તમારા લોકમાં બે યૂથ દેખાય છે, તેનો શો વિવેક છે?

વાનર– તમારા દેશના વાલી અને સુગ્રીવના જેવા અમારામાં પણ બે ભેદ છે. અમારા વાલી અને સુગ્રીવ ઉભય અમારી પાંચાલીની અનન્ય સેવા કરે છે પણ એ સેવાના વિધિમાં તમારા શ્રૌત સ્માર્ત વર્ગ જેવા ભેદ છે; સુગ્રીવપક્ષ સનાતન ધર્મને દિવસે દિવસે વધારે વધારે સંસ્કાર આપી તે પ્રમાણે વર્તવા ઇચ્છે છે; વાલીપક્ષ દેશકાળના ધર્મને અનુકૂળ હોય તેટલો જ સનાતન ધર્મ સ્વીકારે છે. પેલા ચકોર પક્ષીએ જે અભિલાષ બતાવ્યો તેમાં તે પોતાના રાજનગરને ઉત્કર્ષ આપે છે તે બાદ કરશો તો બાકીનો ઉત્કર્ષ સુગ્રીવના અભિલાષનો વિષય છે. હું વાલીપક્ષમાં છું.

પોપટ– વાલી ધર્મની વાર્ત્તા કરે તે કોણ સાંભળે ?

વાનર– અમારા અભિલાષ અમારી પાંઞ્ચાલીના કલ્યાણને માટે બંધાય છે; તમારા દેશના પાંડવો વચ્ચે પાઞ્ચાલીની કાલક્રમથી સેવા કરતા હતા. અમે બે ભાઈઓ કાલક્રમથી નહી પણ પાઞ્ચાલીની મનોવૃત્તિ પ્રમાણે તેની સેવાનો અધિકાર પામીયે છીયે. સુગ્રીવપક્ષ સેવા કરે છે અમારી પાંચાલીની, પણ તેમનું ચિત્ત સર્વ મનુષ્યજાતિને જ પાંચાલી ગણે છે ને શશશુંગ જેવા અભિલાષો બાંધી અનેક મૃગતૃષ્ણાએ પાછળ દોડે છે.