પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૦

“કપિરાજ ! પાઞ્ચાલીમાતાની શરીરસંપત્તિ આ બેવડા ધાવણ આગળ નહીં ટકે ! આ દુષ્ટનું નિવારણ તો અશકય છે પણ આપ તો માતાના ભક્ત છો.”

કપિ- સુન્દર બાળકી ! હું અર્જુનના ધ્વજનો હનુમાન છું ને આટલું ન્હાનું રૂપ ધરી માતાજીની પાસે થોડાક કાળ થયાં આમ બેસું છું. જ્યાં સુધી કુરુક્ષેત્ર આ અશ્વત્થામાની માયાથી અને વરુનાં ટોળાંથી ભરાયલું હતું ત્યાં સુધી હું માત્ર સાગરના તીર ઉપર ફરતો હતો. એ વરુનાં ટોળાંએ માતાનું સર્વસ્વ લુટી લીધું છે ને જે પરમાત્માએ કૌરવોની સભામાં માતાનાં પટકુળ પુર્યાં તે જ પરમાત્માએ માતાનું શરીર અનેક ચિન્તાઓથી ને સાધનથી આમ આવું રક્ષિત રાખ્યું છે અને જેણે જેણે માતાનો પરાભવ કરેલો છે તે સર્વને અનેક સાધનથી ધ્વસ્ત કર્યા છે. એ સર્વનો ધ્વંસ કરવાને માટે હાલ મને આજ્ઞા થઈ છે ને અમ વાનરલોકને જેટલી કળાઓ આવડે છે તે કળાએથી માતાનાં સુખનું પોષણ કરીયે છીયે. પણ આ ફળમૂળ વગરના સ્થાનમાં આટલા ધાવણવિના અન્ય રીતે અમારી પ્રાણયાત્રા થાય એમ નથી ને અમારી પ્રાણયાત્રા થાય નહી તો માતાનું સંરક્ષણ આ લોકમાં અન્ય કોઈ કરનાર નથી માટે જ અમે આટલો સ્વીકાર કરીયે છીયે.

કુમુદ- પણ કાંઈ મર્યાદા રાખો તો ઠીક.

હનુમાન- મર્યાદા તો અમે રાખીયે છીયે. પણ ભીમસેન જેવા વાયુપુત્ર વૃકોદર છે તેમ હું પણ વાયુપુત્ર છું ને મ્હારું હૃદય અર્જુનની પ્રિય પત્નીનું ભક્ત છે; પણ મ્હારો જઠરાગ્નિ મ્હારા ઉદરને વૃકોદર[૧] કરી મુકે છે.

સર૦- ચિરંજીવ ! તમારા દેશના અનેક કપિલેાક પણ આ રીતે જ સ્તન્યપાન કરે છે ને આ દેશનાં બાળક ભુખે મરે છે.

હનુ૦– તે સત્ય છે. પણ જેમ જેમ પાંડવોનો સંચાર આ દેશમાં વધશે તેમ તેમ ગમે તો અમારો વાલીપક્ષ સુગ્રીવને માન્ય કરશે, ગમે તો આ દુષ્ટ આ સ્થાનથી દૂર થશે ને અમારે ને બાકીના આ દેશને માટે માનું ધાવણ બસ થશે, અને ગમે તો સ્વામી-સંયોગથી માનાં આરોગ્ય અને શરીરસંપત્તિ એમને સર્વનાં અક્ષયપાત્ર જેવાં કરી મુકશે.

પોપટ– પણ આ બ્રાહ્મણનું શું કરશો? તમારી બ્રાહ્મણ બુદ્ધિના અર્જુને એને જીવતો મુક્યો !


  1. ૧. વરૂ જેવા પેટવાળો, ઘણું ખાવા જોઈએ તે.