પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧૮

રહેલાં જાણી, તેમની જે મનોવ્યથા તમે ટાળવા ઇચ્છો છો, તે વ્યથાને તેઓ પામશે. મને પોતાને સંસારનું કે કોઈનું ભય નથી. સાધુજનો આપણું જે અદ્વૈતને માને છે તેને સ્વીકારી બે વર્ષ પછી પ્રસિદ્ધપણે તમારું પાણિગ્રહણ કરી મુંબાઈનગરીમાં જઈને પ્રકટપણે રહીશું તો તેમ કરવા સર્વ સાધન મ્હારી પાસે છે ને મ્હારા પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ તો તે વિના બીજી કોઈ પણ નથી. તેમાં મને ભય નથી પણ આવો લાભ છે, ને તમારાં માતાપિતાને મ્હેં કહ્યું તે ભય છે. આ માર્ગોમાંથી જે તમને પ્રિય તે મને પ્રિય થશે.

કુમુદે નિઃશ્વાસ મુક્યો. “આપની વાસના પ્રાયશ્ચિત્તશોધનમાં જ સમાપ્ત થાય છે.”

સર૦– આટલું અદ્વૈત અનુભવ્યા પછી આ દ્વૈતશંકા શા માટે કરો છે ? એક માર્ગે અનેક ફળ મળતાં હોય તો શા માટે લેવાં નહી ? મારી વાસના કે પ્રીતિ કે જે ક્‌હો તે તમે પ્રત્યક્ષ કરી છે તો હવે તેમાં શા કારણથી શંકા રાખો છે ? પ્રીતિની સિદ્ધિ સાથે પ્રાયશ્ચિત્તની પણ સિદ્ધિ સાથે સાથે થઈ જતી હોય તો શા માટે ન શોધવી ? તમારો વિશ્વાસ ખોવા જેવું કાંઈ નવું કૃત્ય મ્હેં કર્યું મને સાંભરતું નથી.

કુમુદ૦- તો આ પ્રાયશ્ચિત્તનું નામ દેવું પડતું મુકો અને એનો સંકલ્પ પણ તમારા મનમાંથી દૂર જાય તેને જ ગમે તો પ્રાયશ્ચિત્ત માનો ને ગમે તો મારા ઉપર પ્રીતિ કે કૃપા કરી માનો. મ્હારે માટે આટલું દુષ્કર કરો.

સર૦– એ પણ રમણીય કહ્યું અને હું તેમ વર્તવા પ્રતિજ્ઞા લેઉં છું. તમારી પ્રીતિના બળ આગળ, આટલામાં હવે મને કંઈ દુષ્કર નથી.

કુમુદ૦– આજ સુધી એમ થતું હતું કે બે વર્ષ પછીનું આયુષ્ય કેવી રીતે ગાળવું તે વિચારવાને બે વર્ષ ઘણાં છે ને તે વિચારવાની આજથી શી ઉતાવળ છે. હવે આજથી જ એ વાત વિચારવાની આતુરતા આપે ઉત્પન્ન કરી છે.

સર૦- જો હું પ્રકટ થાઉં છું તો તમારો સંબંધ ગમે તો પ્રકટ કરવો પડશે ને ગમે તો ગુપ્ત રાખવો પડશે. તે બેમાંથી શું કરવું એ પ્રશ્નને અંગે આ બધા ભવિષ્યનો વિચાર કંઈક પ્રાપ્ત થયો તે તમને પુછ્યો.

કુમુદ૦- હું તે મ્હારી જાતને અને જીવનને ગુપ્ત રાખવા જ ઇચ્છું છું. જગત મને મુવેલી જાણે નહી તો મ્હારે જીવવાનો સંદેહ સમજવો. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે પ્રકટપણે રહી