પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૦


કુમુદ૦– સ્થૂલ સૂક્ષ્મ પ્રીતિના એ સ્થૂલ પ્રસાદ જાતે આમ છુટા પડ્યા તે કેવળ-સૂક્ષ્મ પ્રીતિને ઉચિત જ થયું છે. હવે આ કન્થાઓમાં જ આપણી સ્થૂલ સમૃદ્ધિની સમાપ્તિ રહે તેમાં ચન્દ્રાવલીમૈયાએ જીવાડેલી કુમુદના જીવનનું પરિપૂર્ણ સાફલ્ય છે.

સર૦– કુમુદ - કુમુદસુંદરી! સિદ્ધ પ્રીતિના અદ્વૈતને બળે ઘડીમાં તમને તું કહું છું ને ઘડીમાં તમે કહું છું – ઘડીમાં કુમુદ કહું છું ને ઘડીમાં કુમુદસુંદરી કહું છું! ક્રમ વિના આમ ઘણુંક અર્થ વિનાનું મ્હારાથી અને તમારાથી બેથી બોલાઈ બકાઈ જવાય છે[૧] તે ભાગ બાદ કરી બાકીનું સમજી સંગ્રહી લેજો. આજ સુધી અનેક વિચારો મનમાં ઘોળાયા કરતા હતા તેમને સ્થાને હવે એક વિચાર પરિપાકદશામાં આવતો જાય છે – તેમાં તમે મ્હારાં સહધર્મચારિણી થશો એવી શ્રદ્ધા થઈ છે. મ્હારી જનનીએ ને માતામહીએ મળી મ્હારે માટે ચાર લક્ષ રુપીઆ મુકેલા હતા તેના વ્યાપારાદિ સાધનથી મ્હેં આજ લગભગ છ સાત લક્ષનો સુમાર વધારા સહિત કરેલો છે. એ સર્વ સંગ્રહ મ્હારા સર્વ મનોરાજ્યની સિદ્ધિને માટે પૂર્ણ નથી. કાળ જતે – ચાર વર્ષે કે પાંચ વર્ષે – તે સંગ્રહ મ્હારા મનોરાજ્યના એક અંગને માટે બસ થશે ત્યાં સુધી ચન્દ્રકાંતના હાથમાં એ વધ્યાં જશે, ને આપણે આ સાધુજનોમાં એકાન્ત અપ્રસિદ્ધ સૂક્ષ્મ જીવન વ્યતીત કર્યા જઈશું.

કુમુદ૦– તે કાળપરિપાક થયે એ દ્રવ્યનું શું કરવા ઇચ્છો છો ?

સર૦– તમારું શરીર હવે અસ્પૃષ્ટ પવિત્ર રહેશે ને તમારી સૂક્ષ્મ કલ્યાણ સમૃદ્ધિનું હું આસ્વાદન કરી શકીશ તે જ રીતે મ્હારી એ લક્ષ્મીનું શરીર અસ્પૃષ્ટ રહેશે – તેનો વ્યય નહીં થાય અને તેના ઉત્પન્નનો વ્યય થશે. એ ઉત્પન્નમાંથી એક વર્ષ આ દેશમાં વિદ્વાન ધનવાન વ્યાપારી ઉત્પન્ન થઈ શકશે ને બીજે વર્ષ દેશની રંક પ્રજાનાં કલ્યાણનાં બીજ રોપાશે. એમ ઉત્પન્નમાંથી વર્ષે વર્ષે વારાફરતી ચિરકાળની વ્યવસ્થા થઈ શકશે. “બી.એ.” સુધીની પરીક્ષામાં તરી ઉતરેલા વિદ્વાનોમાંથી જેને વ્યાપારી થવાની શક્તિ અને વૃત્તિ હશે એવા બુદ્ધિમાન્ નરોમાંથી એક જણને કંઈ નિયમો પ્રમાણે શોધી ક્‌હાડી તેને વ્યાપારકાર્યમાં સિદ્ધ કરી શકાશે, અને એવી કલ્પના છે કે આવા નરને તે સિદ્ધિને અંતે ચાળીશ હજાર રુપીઆની ઓછામાં ઓછી મુડી મળે. તે નરનું શોધન થાય કે તરત તેણે આ દેશમાં જ કોઈ સમર્થ વ્યાપારીઓ પાસે વ્યાપારમાં સિદ્ધ થવું અને


  1. १ जास्यतोग्क्रमेण. ઉત્તરરામ.