પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૨

છે - સુવામાં નથી – એ મિત્રની અને એ યુગની પ્રાપ્તિનું બીજ આવા વિદ્વાન ધનવાન પુરૂષોના ઉત્ક્રમથી થશે એવી મ્હારી શ્રદ્ધા છે.

કુમુદ૦- જ્યારે આપના છસાત લક્ષ અધુરા લાગે છે ત્યારે પચાસ હજારની રકમમાંથી તે શી રીતે આ નર આવા થશે ?

સર૦– એ પચાશ હજાર તો એમને માત્ર રથ આપશે પણ એ રથમાં બેસી પોતાની સિદ્ધિને બળે એ લોક કાળક્રમે પચાશ લક્ષ વસાવી શકશે. કુમુદસુન્દરી ! એ લોકના યોગ અને પરાક્રમ આ દેશને કલ્યાણકારક નીવડશે. દ્રવ્યવાન અપંડિતો, રંક પંડિતો, અને દ્રવ્યવાન અને એકલપેટા હાથપગ વિનાના વિદ્વાન્ અદૃષ્ટાઓ - એ સર્વને સ્થાને આ માર્ગથી જ આ દેશમાં અર્જુનનું વીર્ય સફલ થશે. અનેક લોકને દ્રવ્ય કમાવાને માર્ગ સુઝતો નથી તેને આવા દૃષ્ટાઓની દ્રષ્ટિ અને ક્રિયા ખાતાપીતા અને જોતા કમાતા કરશે. મ્હારી ટુંકી લક્ષ્મીની મર્યાદાને લીધે માત્ર બબે વર્ષે આવો એક જ નર નીવડી શકશે તે તો ઈશ્વરની ઇચ્છા ! પણ જે ઈશ્વર મને આટલા વિચાર સુઝાડે છે તે આટલા બીજથી બીજાઓને અનેકધા વિશેષ સમર્થતા આપશે. બાર વર્ષમાં આવા છ પુરૂષો નીવડશે તેઓ સમુદ્ર ઓળંગી પરદેશની કળાઓને અને વિદ્યાઓને આણશે તેની સાથે જ આ દેશનો ધનંજય પોતાની દૃષ્ટિ, જય, અને વિભૂતિનું દર્શન કરાવવા માંડશે.

કુમુદ૦- એ કાર્યમાં મ્હારો ધર્મસહચાર કેવી રીતે કામમાં લાગશે ?

સર૦- પારદેશીય રસસામગ્રી લેઈ આવેલાઓને માટે સુભદ્રાઓ ઉભી કરવી એ મ્હારી કુમુદનું કામ – તે ભાવી કાળમાં વિચારીશું. હવે એક વર્ષે આવા નરો ઉત્પન્ન કરવા તો બીજે વર્ષે મ્હારી ટુંકી લક્ષ્મીના ઉત્પન્નનું શું કરવું તે સાંભળ. વૃદ્ધોની વૃદ્ધાવસ્થાનો આધાર તેમનાં યુવાવસ્થ પુત્રવધૂઓમાં છે; બાલકોનો આધાર તેમનાં યુવાવસ્થ માતાપિતામાં છે; રાજ્યનો આધાર પણ યુવક પ્રજાનાં સામર્થ્ય અને સન્મતિમાં છે. ચારે આશ્રમનો આધાર જેવો ગૃહસ્થાશ્રમ ઉપર છે તેમ સર્વ અવસ્થાઓનો આધાર યુવાવસ્થા ઉપર છે. તે જ ન્યાયે અને તેથી અધિક ન્યાયે એ સર્વ અવસ્થાઓનું ને સર્વ પ્રજાનું કલ્યાણ દેશના વિદ્વાનો ઉપર છે ને વિદ્વાનોનો આધાર તેમની યુવાવસ્થાના સાફલ્ય ઉપર છે. જો આપણે તેટલા સાફલ્યનાં બીજ રોપી શકીશું તે સર્વ વૃક્ષો જાતે સમૃદ્ધ અને બલવાન્ થશે. ઇંગ્રેજ લોકે ઘણી સૂક્ષ્મ બુદ્ધિથી, ઘણી દીર્ઘ દૃષ્ટિથી, અને અનેક નીતિધર્મના વિચારના દોહનને અંતે, આપણા વિદ્વાનોની જે વાડી આ દેશમાં ઉભી કરી છે તેના