પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૭

આચારરૂપ વ્યવસ્થાએ ને રૂઢિઓ આ દેશમાં પૂર્વે કે હાલ પ્રવર્ત્તી કે દેખાઈ છે તેનું શોધન કરવું, આપણા લોકમાં તેમણે ફરવું, જોવું, અને સર્વ પ્રજાના અનુભવોનું તેના મૂળથી મુખ સુધીના પ્રવાહ પર્યત તારતમ્ય ક્‌હાડવું. પાશ્ચાત્ય વિદ્વાનોના શોધ અને વિચારોનો પણ આમાં ઉપયોગ કરવો. પક્ષવાદનો ત્યાગ કરી આ વિદ્વાનોએ સત્યશોધન કરવું, સર્વ પક્ષ અને સર્વ સંપ્રદાય જાણી લેવા પણ પોતાની દષ્ટિ તત્ત્વ અને નિષ્પક્ષપાત સત્ય નિર્ણય ઉપર રાખવી, પિતામહ અને અશ્વત્થામાના ગુણદોષ શોધવા, રાફડાઓમાં પેંસી તેમના ગુણદોષ જોવા, તેમ તેમાંની પ્રકાશમયી નલિકાઓમાં પ્રવેશ કરી સર્વ ભાગ ધીમે ધીમે જોવા, નાગલોકનાં મણિ ને વિષ ઉભય જોઈ લેવાં અને આ દેશના સર્વ યુગોમાં, સર્વ સ્થાનોમાં જે જે પ્રવૃત્તિયો ને નિવૃત્તિઓ થઈ છે તેનું શોધન સાત્ત્વિક દૃષ્ટિથી કરી લેવું. આ દેશની અર્વાચીન અવસ્થાનાં સાંસારિક અને રાજકીય સર્વ અંગ તેમણે જાણી લેવાં અને દેશની સર્વતઃ ચિકિત્સા કરી ભવિષ્યને માટેનાં ઐાષધનું શાસ્ત્ર ખડું કરવું. પિતામહના શરીરમાં પેઠેલા અર્જુનના શર કેમ છુટે, પિતામહનું તેજ લોકમાં કેમ પ્રસાર પામે, અશ્વત્થામાના રાફડામાં તે શર કેમ જાય, પ્રકાશમયી નલિકાઓનો નાશ કર્યા વિના અશ્વસ્થામાએ બાંધેલા રાફડાઓ કેવી રીતે ઓગળે ને અસંખ્ય હાલતા ખડકો અને તેમની વચ્ચેના ચીરાએને સાંધવાની કેમ વ્યવસ્થા થાય, નાગલોકનાં મણિ અને વિષનો કેમ પુનરુદ્ધાર થાય - નાગલોક અને તેમની વડવાઈઓમાંથી આપણને પોષણ અને શક્તિ કેમ મળે ને તે લોકની ને તેમની સૃષ્ટિનો સાક્ષાત્કાર કેમ થાય, અર્જુનદેવ અશ્વસ્થામાના મસ્તિકમાં તેનો મણિ પાછો કેમ મુકે, અને અશ્વત્થામાનાં બ્રહ્મશિરાસ્ત્રની સમૃદ્ધિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરવી : આ સર્વ વિષયના ઉંડા શોધ ને પ્રયોગ કરવા – આ આપણાં ભવનના વિદ્ધાનોનું એક કર્તવ્ય.

કંઈક વિશ્રાન્તિ લેઈ વળી સરસ્વતીચંદ્ર બોલવા લાગ્યો: “ કુમુદસુન્દરી ! આટલું બસ નથી. આપણા દેશમાં ચાલતા સર્વે લોકપ્રવાહોનાં સ્વરૂપ અને ગુણદોષ જાણી લેવાં અને પરદેશની – આખી પૃથ્વીની - મહાપ્રજાઓના પ્રવાહો અને પ્રધાનપણે ઇંગ્રેજ લોકના પ્રવાહ પણ સમજવા, એ આ સ્થાનના વિદ્વાનોનું બીજું કર્તવ્ય. આખી પૃથ્વીમાં આજ પાંડવોના રથ ફરે છે ને તેનાં ચક્રના સર્વ આરાઓમાંથી ને ભાગમાંથી ને તસુએ તસુની ગતિમાંથી નવાં શાસ્ત્રો, નવા