પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ ૦

સ્થાનમાં રહેવું ઇષ્ટ હોય તો તેમને માટે ઉક્ત પ્રકારે જે વ્યય થાય તે નિયમાનુસાર આપણે આપવું ને તે ઉપરાંત દશથી પચાશ રુપીઆ સુધી માસિક વેતન તેમને જીવતા સુધી આપ્યાં જવું ને આશ્રમમાં આવે તે કાળે તેમનું ઓછું વેતન નક્‌કી કરી યોગ્યતા વધે તેમ તેમ નિયમસર વધારવું. ઓછામાં ઓછા અવિદ્વાન કારીગરને દશ અને વિદ્વાનને પચીશ રુપીઆ આપવા. તે ઉપરાંત કેટલા વધારવા તે પ્રથમ ત્રણ વર્ષની સ્થિતિને અંતે એક વાર નક્કી કરવું ને દશ વર્ષને અંતે બીજી વાર નક્કી કરવું, એમ તે નક્‌કી કરેલી વધારેલી રકમ આશ્રમમાં પ્રવેશ કરે ત્યાંથી તે દશવર્ષ સુધીની, વ્યાજ સહિત, એમને મરણકાળે તેમનાં સ્ત્રીપુત્રને કે પાત્રને મળે, તે ન હોય તો તેમણે કરેલા અનુમૃત્યુપત્ર- “ વિલ ”– પ્રમાણે આપવી, ને વિલ ન હોય તે આ આપણા આશ્રમ તેમનો દાયાદ થઈ લે. દશવર્ષ પછીની રકમ પુરેપુરી તેમને માસે માસે મળે ને તેમનાં મરણ પછી રાજ્યના ધારા પ્રમાણે દાયના અધિકારી હોય તે લે. દશવર્ષ પ્હેલાંની વધારાની રકમ તે કોઈ લોકકલ્યાણના કાર્યમાં વાપરવી હોય તો જ તેના અધિકારી વિદ્વાનને કે કારીગરને હાથે જીવતાં વાપરવા દેવી.

“આ વિદ્વાનોના સમાગમસ્થાનને માટે અનેક ભવનવાળું એક અતિથિપુર અથવા અતિથિપરું રાખવું. તેમાં યોગ્ય પુરૂષોનું આતિથેય કરવું. સર્વ પ્રકારના સંભાવિત ગુહસ્થોને નિયમાનુસાર આ અતિથિભવનમાં આમંત્રણથી આપણે ખરચે બોલાવી તેમનો સત્કાર કરવો. તેમાં એક ભાગમાં સાંપ્રત ભક્તિમાર્ગને યોગ્ય દેવમન્દિરો રાખી એ મન્દિરોમાં આ દેશના ધર્મિષ્ઠ જનોને સત્કાર કરવો. આપણા આશ્રમના સર્વે આશ્રિત જનોના માતાપિતાનાં હૃદય પુત્રવત્સલતાથી દ્રવે એને પુત્રોની કે પુત્રીઓની પાસે ર્‌હેવા ઇચ્છે ત્યારે આ મન્દિરમાં તેમને વાસ આપવો ને તેમનાં બાલકના વેતનમાંથી તેમનું ભોજનખરચ કાળનો અવધિ બાંધી આપવું ને જે માતાપિતા પોતાના દ્રવ્યથી આવું ખરચ નીભાવી શકે એમ હોય તેમને ન આપવું. આ અવધિ ઉપરાંત માતાપિતાને વાસ આપવો ને ભોજન ખરચ તેમનાં બાળકની શક્તિવૃત્તિ હોય તો તે આપે. માતાપિતા વિના ભક્તજનો, ધર્મવ્યવસ્થાપકો, શાસ્ત્રીયો, પુરાણીયો, સંન્યાસીઓ, આદિ અન્ય સજ્જનો આ સ્થાનમાં આદરસત્કાર પામે અને પોતપોતાના સંપ્રદાયના મંદિરમાં આવાસ પામે - આપણા આશ્રિત જનોમાંથી જેમને તેમના સમાગમનો લાભ લેવો હોય તે લે.