પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૧


“વળી આ દેશની અનેક અવ્યવસ્થાનો કર્તા અશ્વત્થામા દુઃખી આર્યોનાં આશ્વાસન અને સદ્ગતિને માટે આ દેશની વિપત્તિઓના અંધકારને માથે આ મંદિરોમાંની વીજળી પાસે ચમકારા કરાવી ર્‌હે છે. તે વીજળીનો ભુલ્યે ચુકયે નાશ કરવા જેવું નથી. એ વીજળી ઘડીક આકાશમાં ચમકારા કરે છે, ઘડીક પૃથ્વી ઉપર આવે છે, અને તેવે સમે અશ્વત્થામા ઉન્માદ છોડી શાંત થઈ અનેક ઉડાં ગાન કરે છે ને દુ:ખી અને અનાથ આર્યોનાં કમ્પતાં હૃદયમાં અનેકધા અમૃતવૃષ્ટિ કરે છે તે મ્હેં સુરગ્રામનાં મન્દિરોમાં પ્રત્યક્ષ કરેલું છે. કુમુદસુન્દરી ! આ મન્દિરોનો આવા મંગલ ભાગનો આપણે અનેકધા સત્કાર કરીશું અને આપણા આશ્રમના આશ્રિતો પાસે તે મંદિરોને નવા સંસ્કાર અને નવા ઉત્કર્ષ અપાવીશું. આ મન્દિરોમાંના અતિથિયો અને આપણા આશ્રિત આશ્રમીઓનો સમાગમ તે ઉભય વર્ગ વચ્ચે અનેકધા પરસ્પર લાભની આપ-લે કરાવશે અને પ્રજાઓમાં નવા સંપ ને નવા જંપ આપશે.

“આપણા દેશના પાસેના અને દૂરનાં ભાગોના અનેક જ્ઞાતિયોના વર્ગ; વૃદ્ધો, યુવાનો અને બાળકો; ભાતભાતની જાતજાતની સ્ત્રીયો; નાતજાતના પટેલો, શેઠો, અને ગોરગોરાણીયો; તીર્થવાસીયો ને યાત્રાળુઓ; જુનાં મતનાં અને જુની ચાલનાં અને નવાં મતનાં નવી ચાલનાં મનુષ્યો; સાધુઓ, સંન્યાસીયો, અને યોગીયો, આદિ અનેક વર્ગની અનુભવી અને અનુભવહીન વ્યક્તિયોનો સત્કાર, એ જ મન્દિરોમાં અને તેને જોડેલી ધર્મશાળાઓમાં કરવો ને તેમની પાસેથી જાણવાનું જાણી લેવું. આપણા આ સર્વ લેાક ખાય છે પીયે છે શું અને કેવી રીતે, તેમનાં ગૃહ અને ગૃહસંસાર કેવી રીતે બંધાય છે અને મંડાય છે, તેમાં શી શી છત છે ને શી શી ખામી છે, તેઓ દ્રવ્ય તેમ વિદ્યા અને અનુભવ કેમ આણે છે, કેમ સુધારે છે, કેમ ખરચે છે, ને કેમ બચાવે છે, આ અને આવી આવી અનેક ન્હાની મ્હોટી વાતો ઇંગ્રેજી અને દેશી વૈદ્યક શાસ્ત્રની દૃષ્ટિથી, અર્થશાસ્ત્રની અને વ્યાયામશાસ્ત્રની દૃષ્ટિથી, નીતિશાસ્ત્ર અને સંસારશાસ્ત્રની દૃષ્ટિથી, કવિ અને કારીગરની દષ્ટિથી, રાજકીય અને પારમાર્થિક વિદ્યાની દૃષ્ટિથી, શોધવાની છે, જોવાની છે, ચારે પાસથી તપાસી લેવાની છે, રક્ષણીય મર્મમાં રક્ષવાની છે, અને વર્જનીય ભાગમાં કાપી નાંખવાની છે, દેશકાળ પ્રમાણે બદલવાની ને સુધારવાની છે, અને ટુંકામાં અનેકધા સુવ્યવસ્થિત કરવાની છે. આ રંક દેશનું ધન અનેકધા નષ્ટ થયું છે, થાય છે, ને થવાનું હશે, પણ તે સર્વ વમળ વચ્ચે સ્વસ્થ અને નિર્ધન જીવન ગાળી