પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૧

ક્‌હાડી નાંખી એ નાતમાં આવે તેને માટે સઉને સદર પરવાનગીનો પાસ આપી બારણાં ઉઘાડાં મુકીશું એટલે આપણી નાત વધ્યાં જ જશે ને જુની નાતોમાં ઘરડાં ઘરડાં ર્‌હેશે ને નવીમાં નવાં નવાં જુવાનીયાં આવશે. મને તો આ બધી વાત મશ્કેરીની લાગે છે, પણ તમારું ઠેકાણું નહીં માટે જાણવું છું કે આવું તો કંઈ ઠીક નહી. એ તે પછી છોકરવાદી નાત થાય ને ગાયગધેડાં ભેગાં થાય એ કંઈ મને ગમે નહી. મને તો લાગે છે કે એવું થાય તો ભાયડાઓ એ નવી નાતમાં જાય પણ કંઈ કંઈ બાયડીઓને તો તેમનાથી જુદાં પડી જુનામાં ર્‌હેવાનું ગમશે. એવી વર્ણસંકર નાત થાય તે તો કંઈ સારું નહીં. માટે એવો કળજુગ ભુલ્યે ચુક્યે બેસાડશો નહી.”

કાગળ ખીસામાં મુકતો મુકતો પાછો ક્‌હાડી કુમુદસુંદરીને એક ઠેકાણે કાગળમાં આંગળી મુકી બોલ્યો: “આટલું તમે વાંચી જુવો – ને મનમાં રાખજો – સરસ્વતીચંદ્રને યોગ્ય વેળાએ જણાવીશું.”

કુમુદે તે મનમાં વાંચ્યું.

“ગુમાનબાના દીકરા ધનભાઈ ગુજરી ગયા છે. લક્ષ્મીનંદન ગાંડા થયા છે પણ ગુમાનબા તેમની નોકરી કરે છે ને એ પણ હવે જાણે છે કે સરસ્વતીચંદ્ર વિના એમનું કોઈ બીજું થાય એમ નથી. ધૂર્તલાલ ઉપર ફોજદારી ચાલે છે ને મ્હોટા મ્હોટા લોકને એમાં રસ પડે છે, ડાક્તર ક્‌હે છે કે સરસ્વતીચંદ્ર જડશે તો લક્ષ્મીનંદન ડાહ્યા થશે માટે એમને ત્યાં લાવવા ધાર્યો છે. સરસ્વતીચંદ્ર જડે તો ધનભાઈનું સ્નાન કરાવજો ને આ બીજા બધા સમાચાર ક્‌હેજો. શેઠની, જોડે ગુમાનબા પણ ઘણું કરી આવશે ને લખશો તો હું પણ આવીશ ને સરસ્વતીચંદ્રને ઘેર આણવા જરા ધમકાવવા હશે તો તે આવડશે. બાકી અંગ્રેજી ભણેલાને સમજાવવાનું તો નહી આવડે. એ તે પત્થર પલાળવાનું કામ.”

કુમુદે પત્ર પાછો આપ્યો ને કંઈક ઉંડા વિચારમાં પડી ગઈ અંતે તેમાંથી જાગીને બોલી.

“ચંદ્રકાંતભાઈ, પુત્રો વાંચવાના થઈ રહ્યા. તમારે વિચારવાની સર્વ વસ્તુ મળી ગઈ. ચંદ્રાવલી બ્હેન રાત્રે આવશે ને પ્રાત:કાળે ગુરુજી સમાધિમાંથી જાગશે ને તમારે ત્યાં જવું થશે ને મ્હારે ચંદ્રાવલી બ્હેન જોડે જવું પડશે. કાલ ગુણીયલ પણ બધાંને લેઈને આવશે, અને હવે એકાંત વિચાર કરવાનો ને વિચાર કરવા બેસવાનો આવો કાળ થોડાક પ્હેરનો રહ્યો છે તે વિચારમાં ગાળી નાંખીશું તો સિદ્ધાંત ઉપર આવવાનો ને