પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૫

અબોલા રાખશો નહી, મ્હોં ભારેખમ કરશો નહી, થોડબોલાં પણ થશો નહી, – એવું એવું કરશો તે એ ચકોર જાત તરત તમારા ગુપ્ત રોષને ચેતી જશે ને પ્રકટવા માંડેલી જ્યોત ચરચર થઈ હોલાવા માંડશે. માટે ડાહ્યાં થઈ એને ખોળામાં બેસાડી દીલાસો આપજો, એને એના સુખનો માર્ગ મા થઈને બતાવજો, ને એનાં આંસું લ્હોજો. ગુણસુંદરી ! તમે આમ મ્હારું કહ્યું કરવામાં ચુકો તો તમને મ્હારા – એટલે ગણતાં હો તો તમારાં વડીલના – સોગન છે. હું જાણું છું કે તમને હું બહુ વ્હાલો છું ને મ્હારા સમ તમે પાળ્યા વિના નહી રહો. તો તમારો આટલો વિશ્વાસ રાખી હું જાઉં છું ને પરિવ્રાજિકામઠમાંથી આવવાનો માર્ગ રોકી વચ્ચે બેસું છું ને એ આવશે તેની સાથે પાછો આવીશ. તમારી સાથે બધી વાત કરતાં એ શરમાશે, માટે એને ને કુસુમને સાધુજનોને માટેના તંબુમાં જવા દેજો ને બે બ્હેનો એક બીજાની વાત જાણી લેશે. બેટા કુસુમ ! બ્હેનની અમુઝણ ટાળજે ને પછી ગુણીયલને ક્‌હેવું હોય તો એકાન્તમાં ક્‌હેજે. - આપણે સઉ સવળું કરીશું ને બ્હેનને ક્‌હેજે કે કોઈ એના ભણી નહી ર્‌હે તો દાદાજી તો ર્‌હેશે જ ને જેમ બ્હારવટીયાઓમાંથી તેને ઉગારવા ઘોડે ચ્હડ્યા હતા તેમ હવે સંસારનાં દુ:ખમાંથી તેને ઉગારવા ત્હારા દાદાજી આખા સંસાર સામી બાકરી બાંધવાના છે, માટે એને ક્‌હેજે કે રજ ચિંતા કરીશ નહીં. ગુણસુંદરી, એ બે બ્હેનો વાતો કરે એટલી વાર તમે ને સુંદર ચન્દ્રાવલીને અંહી બેસાડી એની પાસેથી સઉ વાત જાણી લેજો ને એની સલાહ લેજો. એ પણ બહુ ડાહ્યું ને વ્હાલવાળું પરગજુ માણસ છે. કુમુદ અંહી આવે તેટલી વેળા કોઈ એની પુછપરછ ન કરે માટે આપણા માણસોને પણ તમ્બુઓની પેલી પાસ માંડવાઓમાં રાખ્યાં છે ને તમારા બેલાવ્યા વિના કોઈ આમ ડોકીયું પણ ન કરે એવો હુકમ આપ્યો છે. હું હવે જાઉં છું - ને - તમે જોજો હોં – મ્હેં કહ્યું છે તેમાં રજ ચુક ન થાય – મ્હેં મ્હારા સોગન દીધા છે!

માનચતુર ગયો.

ગુણસુંદરી નિ:શ્વાસ મુકી બોલીઃ “ સુન્દરભાભી, શું થવા બેઠું છે તે સમજાતું નથી. સંસારના સર્વ પ્રવાહથી અવળે માર્ગે આમ ખેંચાઈએ છીયે ને ઘરના વૃદ્ધ અને વિદ્વાન્ પુરુષો પણ આપણને ખેંચવામાં ભળે છે. તમારા દીયરની ઇચ્છા પ્રમાણે વર્તવામાં પતિવ્રત ર્‌હેલું છે ને તેમની ઇચ્છા આપણી વૃત્તિથી છેક અવળી ! તેમને નિવારવાનો અધિકાર વૃદ્ધોને રહે તેમાં મામાજીએ નિવૃત્તિનું મૌન ધાર્યું ને વડીલ તો ચાલતી વ્હેલમાં બેસી ગયા ! આ કાળે સાસુજી હત તો આપણી આ અવસ્થા ન થાત !