પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૨


“દાદાજી, કુમુદને આવી વ્હાલી ન કરશો. આપે આવે આવે પ્રસંગે કદી આવું પોચું મન દેખાડ્યું નથી તે હવે આપના ઘડપણમાં આપના હૃદયને આમ હલમલાઈ જતું જોવાનું હું બાળકનું ગજું નથી."

કંઈક સ્વસ્થ થઈ, ઉભા થઈ માનચતુર બોલવા લાગ્યો : “ચિંતા નહી. કુમુદ, ત્હારે ભગવાં રાખવાં હશે તો હું પણ ભગવાં લેઈ આ સાધુઓમાં રહીશ. મ્હારા કુટુંબનો આટલો આટલો વિસ્તાર હતો તેમાંથી સર્વ હવે ત્હારા ને કુસુમના ઉપર આવી રહ્યું, ને તેમાં પણ ત્હેં ભગવાં ધર્યા ને કુસુમ - કોણ જાણે - શું કરશે ! બેટા, હવે હવણાં આ વાત નકામી છે. થોડી ઘડીમાં, અને થોડી ઘડીમાં નહીતો એક બે દિવસમાં, સઉ વાતનો ફેંસલો થઈ જશે તો હું એટલા માટે અધીરો નહી બનું, પણ તમે બે બ્હેનો મ્હારા ઘડપણને છેડો કેવી રીતે આણો છો તે જોઈશ, ને તે પછી ત્હારા જેવી બાળકને જ્યારે ભગવાં જ ગમશે ત્યારે હું પણ જ્યાં તું ત્યાં હું – મને પણ ભગવાં ગમશે, ભગવાં ધરીશ, પણ જે બે ચાર વર્ષ જીવવાનાં બાકી હશે એટલાં તને જોતો જોતો પુરાં કરીશ ત્યારે જ મ્હારો જીવ ગતે જશે.”

કુમુદ૦– દાદાજી, આપ સાધુ થશો તો સુખી થશો ને આપ અંહી વસશો તો હું વધારે સુખી થઈશ. હું મ્હારે માટે જે કહું છું તે સંસારથી કંટાળીને નહી પણ મ્હારા અંતઃકરણથી કહું છું તેની હવે આપને શંકા નહી રહે.

માન૦- ના, બેટા, હવે નહી રહે, તો કુસુમ, તું કુમુદને લઈ સાધુજનને માટેના તંબુમાં જા અને હું ચન્દ્રાવલીને લેઈ ગુણસુન્દરી પાસે જાઉં છું.

કુમુદ૦- ચન્દ્રાવલીબ્હેન, મોહનીમૈયાએ ગુણીયલને જે વાક્ય પ્રહાર કર્યો તેવા તમે નહી કરો એવું મને અભય–વચન આપીને જાવ. મને જન્મ આપી એણે અનેકધા દુ:ખ વેઠ્યું છે તે દુઃખોમાંથી એને મુક્ત કરી મ્હારે ઋણમુક્ત થવું છે.

ચન્દ્રા૦– મધુરી ! ચન્દ્રાવલીથી તને અભયવચનની સર્વથા પ્રાપ્તિ જ છે ને તે પણ વગર માગ્યે મળી સમજવી. માનચતુરજી, આપની મધુર પુત્રીનું નામ અમે મધુરીમૈયા પાડ્યું છે.